ભાવનગરનો દરિયાઈ પટ્ટો અસુરક્ષિત, મરીન પોલીસની સરકારી બોટ બંધ હાલતમા

ભાવનગર: દેશના અનેક દરિયાઈ માર્ગો પર તસ્કરી, ડ્રગ્સ અને ગેરકાયદે પ્રવૃત્તિ થતી હોવાનું સામે આવી ચૂક્યું છે. ગુજરાતમાં પણ આવા અનેક કિસ્સા સામે આવ્યા છે. જેના કારણે સૌથી મહત્વની છે, દરિયાઇ સુરક્ષા. ત્યારે, ભાવનગરના દરિયાઇ કિનારાની સુરક્ષા કરતી મરીન પોલીસની સરકારી બોટ બંધ હાલતમાં હોવાનું સામે આવ્યું છે. મરીન પોલીસ પાસે માત્ર એક જ બોટ છે અને એ પણ બંધ હાલતમાં. આ બોટ રાજ્ય સરકાર પાસેથી મરીન પોલીસને મળી હતી. પરંતુ તેના એન્જિનમાં ખામી આવતા તે બંધ પડી છે. તો, સવાલ ઉઠે છે ભાવનગરના 152 કિલોમીટરના દરિયાઇ પટ્ટાની સુરક્ષાનો. જ્યારે બોટ બંધ હાલતમાં છે, તો સુરક્ષા અને પેટ્રોલિંગ કામગીરી કઇ રીતે થઇ રહી છે ?

મહત્વનું છે, દરિયાઈ સુરક્ષા માટે રાજ્ય સરકારે 2009માં આધુનિક બોટ આપી હતી. જેમાં ભાવનગર મરીન પોલીસને દરિયામાં પેટ્રોલિંગ માટે 3 બોટ અપાઇ હતી. જેમાંથી 2 બોટ 12 ટનની અને એક 5 ટનની હતી. દરિયાઇ પેટ્રોલિંગ માટે 1.25 કરોડની ઇન્ટર-સેપ્ટર સિકયુરિટી વ્હિકલ સ્પીડબોટ અપાઇ હતી. પરંતુ હાલ આ બોટ ભાવનગરના દરિયામાં કાર્યરત નથી. ભાવનગર મરીન પોલીસનું દરિયાઈ પેટ્રોલિંગ લાંબા સમયથી બંધ છે. ત્યારે, સાંભળો શું કહ્યું મરીન પોલીસના અધિકારીએ.

મહત્વનું છે, રાજ્યમાં દરિયાઇ પટ્ટાથી અવારનવાર ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્ન થતા રહ્યા છે. તેમજ માફિયાઓ પોતાના કામને અંજામ આપે છે. જેને લઇ રાજ્ય સરકાર સત્તત પ્રયત્ન કરી રહી છે, કે ડ્રગ્સની હેરાફેરી અને આતંકવાદી પ્રવૃત્તિ બંધ થાય. ત્યારે, બોટ બંધ થવાથી સુરક્ષા પર કેટલી અસર થશે ? પોલીસ અધિકારીનો દાવો છે, કે પ્રાઇવેટ બોટ મારફતે દરિયામાં નજર રખાઇ રહી છે અને પોલીસ પણ તૈનાત રખાઇ છે. તેમજ જે બોટ બંધ છે તે પણ જલ્દી જ રીપેર થઇને આવી જશે. જો કે અસુરક્ષા જેવો કોઇ સવાલ નથી.