ભાવનગરના પીઠલપુરના રહેવાસી આધેડનો આખલાએ જીવ લીધો

ભાવનગરમાં રખડતા ઢોરના ત્રાસે વધુ એકનો ભોગ લીધો છે. પીઠલપુરના રહેવાસી આધેડનો આખલાએ જીવ લીધો છે. આમ તંત્રની નિષ્કાળજી એક પુત્રીના પિતાને મોત તરફ લઈ ગઈ છે. મૃત્યુ પામેલા આધેડ દીકરીને મળવા ગયા હતા. તે દીકરીને મળીને પરત આવતા હતા ત્યારે તેમને આખલાના સ્વરૂપમાં કાળ આંબી ગયો હતો. આખલાએ તેમને રીતસરની ટક્કર મારતા તેમનું મોત થયું હતું. તેમને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડવામાં આવે છે.

સામાન્ય રીતે યમરાજ ભેંસ પર બેસીને જીવ લેવા આવતા હોવાની માન્યતા છે. પણ અહીં તો આખલો પોતે જ યમરાજ બની ગયો છે. ભાવનગરમાં હવે રખડતા આખલા કોઈનો પણ જીવ લઈ લે તે નવાઈ જેવી બાબત રહી નથી. દરેક વસ્તુ હંમેશા તંત્રના બહેરા કાને અથડાઈને પાછી ફરે છે. ભાવનગરના સ્થાનિક કોર્પોરેટરથી લઈને વિધાનસભ્ય અને સાંસદની સાથે સીએમ ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત હાઇકોર્ટે પણ રખડતા ઢોરોને લઈને આકરી કાર્યવાહી કરવા કહ્યું છે, પરંતુ ઢોરોના મુદ્દે તંત્રનું વલણ ઢોર જેવું છે.