ભાવનગરમાં હીરાના ૪૦ ટકા કારખાના બંધ થયા, બે લાખ હીરાઘસુઓ બેકાર થવાનો ભય

ભાવનગર, ભાવનગર હીરાના કારખાનાઓમાં ૪૦ ટકા કારખાના બંધ થયા છે. ભાવનગરમાં હીરા ઉદ્યોગમાં આવેલી મંદી હીરાઘસુઓ અને રત્ન કલાકારો માટે મોટી મોકાણ લઈ આવી છે. ભાવનગરમાં કુલ ત્રણ હજારથી પણ વધારે હીરાના કારખાના છે. હવે તેમા ૪૦ ટકા કારખાના બંધ થતાં બે લાખથી વધુ હીરાઘસુઓ પર બેકારીનું જોખમ તોળાઈ રહ્યું છે.

ફક્ત હીરા ઘસવાનો વ્યવસાય કરતાં અને બીજો કોઈ ધંધો પણ આવડતો ન હોઈ કુટુંબનું ગુજરાન કઈ રીતે ચલાવવું તે મોટો સવાલ ઊભો થયો છે. હીરાના વેપાર સાથે સંકળાયેલા વેપારીઓ અને કારીગરો માટે રોજગારીની અન્ય તકો પણ નથી. તેના લીધે બેરોજગારીનું પ્રમાણ મોટાપાયે વધી શકે એવી ચિંતા ભાવનગર ડાયમંડ એસોસિયેશને વ્યક્ત કરી છે. સરકાર માટે પણ આ કપરો કાળ છે.

રાજ્યમાં હીરા ઉદ્યોગ માટે ૨૦ લાખથી વધુ કારીગરો અને વેપારીઓ જોડાયેલા છે. હીરાબજાર પર મંદીના વાદળ છવાયેલા છે. તેના લીધે વેપારીઓ અને કારીગરો પણ મુશ્કેલીમાં મૂકાયા છે. પહેલા યુક્રેન-રશિયા યુદ્ધે ફટકો માર્યો હતો, તેના પછી હવે ઇઝરાયેલ-હમાસ યુદ્ધના લીધે ભાવનગરનો હીરા ઉદ્યોગ કફોડી સ્થિતિમાં મૂકાયો છે.

યુદ્ધના લીધે વિદેશથી આવતો કાચો માલ ઓછો થયો છે. તેની સાથે હીરાનો ઉપાડ પણ ઓછો થયો છે. રફ હીરા ઓછા આવતા હોવાથી રફ હીરાની ઊંચા ભાવે ખરીદી કારખાનેદારને મોંઘી પડે છે. તેના લીધે નેચરલ ડાયમંડના વેપારમાં પણ અસર પહોંચી છે. મંદીના લીધે કેટલાય સમયથી રત્ન કલાકારોને છૂટા કરવામાં આવી રહ્યા છે. સરકાર રત્ન કલાકારોને રાહત થાય તેવું કોઈ પગલાં લેવામાં આવે તેવી માંગ છે.