ભાવનગરના જીએસટી કૌભાંડના માસ્ટર માઈન્ડ મહમ્મદ ટાટાના રિમાન્ડ પૂર્ણ, સાબરમતી જેલમાં ધકેલાયો

અમદાવાદ, ભાવનગરમાં જીએસટી કૌભાંડના માસ્ટર માઈન્ડ મહમ્મદ ટાટાના રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થયા છે. મહમ્મદ ટાટાનું કૌભાંડનું નેટવર્ક ગુજરાત, મહારાષ્ટ્ર સહિત અન્ય રાજ્યોમાં ફેલાયું હોવાનો ખુલાસો થયો છે. મહમ્મદ ટાટાએ ૧ હજાર કરોડથી વધુના જીએસટી કૌભાંડમાં GST અધિકારી અને કૌભાંડમાં સામેલ ૨૦થી વધુ મોટા માથાના નામનો ઘટસ્ફોટ કર્યો છે. મહત્વનું છે કે મહમ્મદ ટાટાના રિમાન્ડ પૂર્ણ થતા તેને ભાવનગરથી સાબરમતી સેન્ટ્રલ જેલમાં મોકલવામાં આવ્યો છે.

તો બીજી તરફ વડોદરામાં ૧ કરોડથી વધુની જીએસટી ચોરી કૌભાંડમાં વધુ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની ઇકો સેલે યાસીન મગરબી અરબ અને અક્રમ અત્યાન અરબની ધરપકડ કરી છે. ભાવનગર જેલમાંથી બંને આરોપીઓનો કબજો મેળવ્યો છે. આ છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર નિખિલ રમેશ મિસ્ત્રી અને આસિફ યુસુફ છીપા ફરાર છે.

જેમાં આરોપીઓએ પોતાના નામના તથા અન્યના નામે ખોટા અને બનાવટી દસ્તાવેજી પુરાવાઓ ઉભા કરી GST પોર્ટલ ઉપર અપલોડ કરી જીએસટી નંબર મેળવ્યો હતો. આ પેઢીઓના નામથી કોઇ ધંધો ચાલતો ન હોવા છતાં માત્ર કાગળ પર પેઢીઓ ઉભી કરી ખોટા અને બનાવટી ટેક્સ ઇનવોઇસ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કર્યો હતો.