ભાવનગર મ.ન.પા. નિષ્ક્રિય, રખડતાં ઢોરે વધુ એકનો ભોગ લીધો

ભાવનગર, ભાવનગરમાં રખડતા ઢોરના કારણે શહેરના એક નાગરિકે જીવ ગુમાવ્યો છે. બે દિવસ પૂર્વે હડકવા ઉપડેલી ગાયએ ત્રણ થી ચાર લોકોને અડફેટે લેતાં નાગરિકો ઈજાગ્રસ્ત થયાં હતાં. ત્યારે એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. ભાવનગર મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી ફરી એક વાર નિષ્ક્રિય જોવા મળી છે.

ગુજરાત હાઈકોર્ટે રખડતાં ઢોર મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી હતી, તેમ છતાં ઢોરોનો આતંક યથાવત્ જોવા મળ્યો છે. ભાવનગર શહેરમાં અનેક મુખ્ય માર્ગો પર ઢોર રખડતાં દેખાયા છે. સાથે નાગરિકોએ પણ એ જ રસ્તે આવાગમન કરવાનું હોવાથી કેટલીક વખત નાગરિકો રખડતાં ઢોરના આતંકનો ભોગ બને છે. રખડતાં ઢોરના કારણે અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે, તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.ત્યારે વધુ એક વખત રખડતાં ઢોરના કારણે નાથાભાઈ પરમાર નમની વ્યક્તિને રખડતા ઢોરને કારણે મોતને ભેટ્યા છે. હડકવા ઉપડેલી ગાયએ ત્રણ થી ચાર લોકોને અડફેટે લેતાં નાગરિકો ઈજાગ્રસ્ત થયાં હતાં. ત્યારે નાથાભાઈ ડાહ્યાભાઈ પરમાર નામના વ્યક્તિને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમને સારવાર માટે સર ટી. હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમનું આજે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. ત્યારે ભાવનગર મહાનગરપાલિકાની ઢોર પકડવાની કામગીરી ફરી એક વાર માત્ર કાગળ પર હોવાનું સાબિત થઈ રહ્યું છે.