ભાવનગર, ગુજરાત તો વેપાર ઉદ્યોગથી ધમધમતું રાજ્ય છે પરંતુ ભાવનગરની રોલિંગ મિલના માલિકો પરેશાન છે કારણ એવું છે કે એક સમયે ગુજરાતમાં સૌથી વધુ રોલિંગ મિલો ભાવનગરમાં ધમધમતી હતી. પરંતુ હાલ આ રી-રોલિંગ મિલો મરવાના વાંકે જીવી રહી છે. એની પાછળના કારણો તો અનેક છે પરંતુ તેનો ઉકેલ સરકાર પાસે છે. એટલે જ ભાવનગરના રોલિંગ મિલ માલિકો તેમને આ સ્થિતિમાંથી ઉગારવા સરકારને રજૂઆત કરી રહ્યા છે.
ધીમે ધીમે આ અંગારા ઠરી રહ્યા છે. મીલો બંધ થઈ રહી છે કારણ અનેક છે. સૌથી પહેલી તો વાત એ છે કે પાડોશી રાજ્ય રાજસ્થાનની હરીફાઈ, વીજદરના પ્રશ્ર્નો સહિતના કેટલાક એવા પ્રશ્ર્નો છે જે આ મિલોને અજગરની જેમ ગળી રહી છે. પાડોશી રાજ્ય રાજસ્થાનની વાત કરીએ તો ત્યાં વીજદર સસ્તા હોવાને કારણે ફાયદો મળે છે. બીજું મહારાષ્ટ્રના રોલિંગ મિલ ધારકોને કાચો આયાતી માલ મુંબઈ બંદરે આવતો હોવાથી ટ્રાન્સપોર્ટેશન કિંમત ઓછી આવે છે. વીજદર સસ્તો અને કાચો માલ પણ સસ્તો મળતો હોવાથી મહારાષ્ટ્ર સહિતના પાડોશી રાજ્યના રોલિંગ મીલ ધારકોને તૈયાર માલની પડતર કિંમત ઓછી આવે છે. જ્યારે ગુજરાતમાં એનાથી વિપરીત છે. એક તો આયાતી સ્ક્રેપ મુન્દ્રા ઉતરે છે અને ત્યાંથી ભાવનગર લાવવાની કિંમત પણ વધી જાય છે. બીજી તરફ પાડોશી રાજ્ય ગુજરાતમાં સસ્તા ભાવે માલ ડમ્પીંગ કરી રહ્યા છે. જેની અસર અહીંના ઉદ્યોગ પર પડવાની જ છે. આ જોતાં આ રોલિંગ મીલ સંચાલકો રાજ્ય સરકારને કંઈક આવી રજૂઆત કરી રહ્યા છે.
ભાવનગર જિલ્લામાં ખાસ કરીને સિહોરમાં રોલિંગ મિલોમાં ઘટાડો થઈ રહ્યો છે. સિહોર ખાતે ૮૦થી વધારે રી-રોલિંગ મિલો હતી જેમાંથી હાલમાં ૨૦થી વધારે રોલિંગ મિલો બંધ થઈ ગઈ છે. બાકી રહેલી ૬૦માંથી અમુક રોલિંગ મિલો રાત્રે જ ચાલે છે. જો રોલિંગ મિલોની આજ પરિસ્થિતિ રહેશે તો આવનારા દિવસોમાં ભાવનગર જિલ્લામાંથી રોલિંગ મિલોના અસ્તિત્વ સામે જ જોખમ ઉભુ થતું દેખાઈ રહ્યું છે. બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં ૧.૫૦ રૂપિયા પ્રતિ યુનિટનો ઉદ્યોગિક વપરાશમાં ભાવ વધારો ઝીકવામાં આવ્યો છે જેને લઈને રોલિંગ મિલના માલિકો માટે સળિયાની પડતર ઉંચી જઈ રહી છે.
રોલિંગ મિલોની સમસ્યાને નજીકથી જાણતા એસોશિયનના પ્રમુખ હરેશ ધાનાણી કહે છે કે રોલિંગ ઉદ્યોગને બચાવવા સરકારી પ્રોજેક્ટમાં સ્થાનિક તૈયાર માલની પ્રાથમિક્તા આપવા સહિતની બાબતો અંગે સરકારને સમક્ષ રજૂઆતો કરવામાં આવી છે. મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાનું પણ પ્રશ્ર્ન અંગે યાન દોર્યું છે. છતાં પણ જો આ પ્રશ્ર્નો નહીં ઉકેલાય તો આ રોલિંગ મિલો અજગર ભરડામાંથી બહાર નહીં આવી શકે.