ભાવનગર મનપાએ પ્રથમવાર મિલ્ક્ત વેરાની રૂ. ૧૫૦ કરોડની વસુલાત કરી

ભાવનગર, ભાવનગર મહાપાલિકા ઘરવેરા વિભાગની કાર્પેટ એરિયા કરપદ્ધતિમાં નાંણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં તા. ગત ૦૧ એપ્રિલ-૨૦૨૩ થી આજ દિન તા. ૧૩ માર્ચ-૨૦૨૪ સુધીમાં ૧.૭૮ લાખ કરદાતાઓ દ્વારા કુલ આવક રૂ. ૧૪૭.૨૬ કરોડ ભરપાઈ કરવામાં આવેલ છે, જ્યારે જૂની કર પદ્ધતિમાં રૂ. ૩.૨૪ કરોડ એમ કુલ મળી ૧૫૦.૫૦ કરોડની આવક થવા પામેલ છે. ભાવનગર મહાનગરપાલિકાએ મિલક્ત વેરાની આવકનો રૂ. ૧૫૦ કરોડની વસુલાત કરવાનો લક્ષ્યાંક પ્રથમવાર હાંસલ કર્યો છે.

ભાવનગર મહાપાલિકાના ઘરવેરા વિભાગ તથા રીકવરી વિભાગના તમામ સ્ટાફ દ્વારા સયુંક્ત રીતે જપ્તી ઝુંબેશ શરૂ છે, જેમાં કુલ ૨૧૭ આસામી દ્વારા કુલ ૩૬.૪૫ લાખ રૂપિયાનો મિલક્ત વેરો ભરપાઈ કરવામાં આવ્યો હતો. ચાલુ માસ માર્ચ દરમિયાન ૧,૨૭૫ આસામી પાસેથી કુલ રૂ. ૨.૮૧ કરોડ રૂપિયાનો વેરો વસુલવામાં આવ્યો છે. વધુમાં ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં ઘરવેરાની કાર્પેટ પદ્ધતિમાં આકર્ષક વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ જાહેર કરાયેલ છે. જે અંતર્ગત જે-તે તારીખ સુધી ચડત વ્યાજ સાથે ચાલુ વર્ષની રકમ અને પાછલા બાકી રકમના પ્રતિ વર્ષ ૨૦ % રકમ સાથે પ્રથમ હપ્તો આગામી તા. ૩૧ માર્ચ-૨૦૨૪ સુધીમાં ભરી પછીના ચાર વર્ષોમાં દરેક વર્ષનો હપ્તો જે-તે વર્ષની રીબેટ યોજનાના સમયગાળા સુધીમાં ભરપાઈ કરવાના રહેશે.

સળંગ પાંચ વર્ષ સુધી આ રીતે વેરો ભરી ચડત વ્યાજમાંથી મુક્ત થવા મહાપાલિકા દ્વારા અનુરોધ કરવામાં આવે છે. આગામી દિવસોમાં પણ રીકવરી ઝુંબેશ શરૂ રહેનાર છે ત્યારે બાકી કરદાતાઓએ વેરો ભરપાઈ કરી રીકવરીની દંડનીય કામગીરીથી બચવા સત્વરે વેરો ભરપાઈ કરવા મહાપાલિકાએ અનુરોધ કર્યો છે.