ભાવનગર,
ભાવનગર મહાનગર પાલિકાનું વર્ષ ૨૦૨૩-૨૪ માટેનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા માટે રજૂ કરાયું હતું. જેમાં શહેરના વિકાસને લઈને શિક્ષણને લઈને જુદા જુદા મુદ્દાઓ ઉપર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત સભ્યો અને કમિશનર સહિત તમામ વિભાગના વડાઓ સાથે બેઠક યોજાઈ હતી અને બજેટ રજૂ કરાયું હતું તેમજ બજેટ અંગેની ચર્ચા થઈ હતી, જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને કોર્પોરેશનના અંદાજપત્ર વર્ષ ૨૦૨૩- ૨૪ ની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમજ ખાસ કોઈ મોટા ફેરફાર વગર બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર રાખવામાં આવ્યું હતું.
ભાવનગર મહાનગરપાલિકા માં સ્ટેન્ડિંગ કમિટીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા પણ આજે બજેટ રજૂ કરેલ એના બજેટમાં રૂપિયા ૧૬૯ કરોડના સરભર બજેટ અંગે પણ રજૂઆત કરવામાં આવી હતી અને તેના ઉપર ચર્ચા પણ થઈ હતી. ભાવનગરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું ૧૬૯.૭૫ કરોડ રૂપિયાનું બજેટ સર્વાનુમતે મંજૂર થયું હતું.
ગયા વર્ષ કરતા આ વર્ષે શિક્ષણ સમિતિના બજેટની રકમમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે શિક્ષણ સમિતિ દ્વારા રજુ કરેલા બજેટમાં સ્ટેન્ડિંગ કમિટી દ્વારા સુધારા કરાયેલો ન હતો, પરંતુ કોર્પોરેશન શિક્ષણ સમિતિની તમામ શાળાના ધોરણ છ થી આઠ ના બાળકોને નારી ખાતે આવેલા રીજીયોનલ સાયન્સ સેન્ટરની મુલાકાત માટે રૂપિયા ૭૫ લાખની જોગવાઈ કરવામાં આવી હતી.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ૧૬૯ કરોડના બજેટની ચર્ચા બાદ મહાનગરપાલિકાના ૧૧૦૦ કરોડના બજેટ ની ચર્ચા કરી હતી, જેમાં સીટી એન્જિનિયર, કમિશનર, શોપ, વ્યવસાય વેરો, ગાર્ડન રોશની, એકાઉન્ટ, કોમ્પ્યુટર સીટના વિભાગોની ચર્ચા વિચારણા કરી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને આ અંગે પૂછતા તેમણે જણાવેલ કે મહાનગરપાલિકાનું બજેટ ૧૧૦૦ કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું.જેમાં આવનારા દિવસોમાં શિક્ષણથી લઈને રોડ રસ્તા ડ્રેનેજ આરોગ્ય વિભાગ ની સાથે શહેરના જુદા જુદા વિકાસ માટે જુદી જુદી દિશામાં ખર્ચ કરવા માટે બજેટ રજૂ કરવામાં આવેલું હતું અને તે સામાન્ય ફેરફાર સાથે મંજૂર પણ કરવામાં આવ્યું હતું.
આ બજેટ અંગે વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે દર વર્ષે બજેટમાં મોટા મોટા આંકડાઓ લખવામાં આવે છે અને વિકાસ માત્ર કાગળ પર જ થાય છે શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરાય છે આમ છતાં અનેક શાળાઓની હાલત સાવ ખરાબ છે તેમજ શિક્ષણનું સ્તર પણ નીચું જઈ રહ્યું છે. આરોગ્ય ની વાત કરવામાં આવે તો દવાખાનાઓમાં પૂરતો સ્ટાફ પણ નથી.