ધો.5ની વિદ્યાર્થિનીએ કહ્યું- ‘સાહેબ શરીરે અસહજ રીતે સ્પર્શ કરે છે, મારે સ્કૂલ નથી જવું’; ગુસ્સામાં ટોળું પોલીસ સ્ટેશને પહોંચ્યું

ભાવનગર જિલ્લાના ઘોઘા તાબેના લાખણકા ગામે સરકારી પ્રાથમિક શાળામાં એક શિક્ષકે પાંચમા ધોરણમાં ભણતી બાળકી સાથે અડપલાં કર્યાંનો આક્ષેપ બાળાએ કરતા ભારે ચકચાર મચી જવા પામી છે અને ગ્રામજનો આ લંપટ શિક્ષકને લઈને ઘોઘા પોલીસમાં મથકે પહોંચ્યાં હતાં.

સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ઘોઘાના લાખણકા ગામે પ્રાથમિક શાળામાં ધોરણ પાંચમા અભ્યાસ કરતી એક બાળકી છેલ્લા બે દિવસથી શાળાએ અભ્યાસ માટે જતી ન હોવાથી તેના વાલીએ શાળાએ ન જવાનું કારણ પૂછતાં બાળકીએ તેના વાલીને જણાવ્યું હતું કે, શાળામાં ભણાવતો રમેશ નામનો શિક્ષક શાળાના સમય દરમિયાન તેના શરીરે અસહજ રીતે સ્પર્શ કરતો હોવાનું અને ગેરવાજબી ભાષા સાથે વાત કરતો હોવાનું જણાવ્યું હતું.

આથી બાળકીના વાલીઓએ ગામમાં અન્ય લોકોને પણ આ બાબતની વાત કરતા ગ્રામજનો એકઠાં થયાં હતાં અને અન્ય બાળકીઓને પૂછતાં તેઓએ પણ આ વાતને સમર્થન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, આ શિક્ષક તેમની સાથે પણ આ પ્રકારનું વર્તન કરે છે. આથી મોટી સંખ્યામાં એકઠા થયેલા ગ્રામજનો શાળાએ પહોંચ્યાં હતાં અને શિક્ષક તથા આચાર્ય સાથે બોલાચાલી કરી હતી. એ દરમિયાન ગ્રામજનોએ શિક્ષક રમેશને લઈને ઘોઘા પોલીસ મથકે દોડી આવ્યાં હતાં અને શિક્ષકને પોલીસને હવાલે કરી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માંગ કરી હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

સમગ્ર બનાવ અંગે ઘોઘા પોલીસ મથકના પી.એસ.આઇ બી કે ગોસ્વામીએ જણાવ્યું હતું કે, જે શિક્ષક પર ગ્રામજનોએ બાળાઓ વતી આક્ષેપ કર્યો છે તેને અટક કર્યો છે અને તેની પૂછપરછ સાથે તપાસ શરૂ છે. તપાસના અંતે જે કંઈ તથ્ય આવશે તે મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ અંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કે.એ. પટેલએ જણાવ્યું હતું કે, ભાવનગર તાલુકાના લાખણકા પ્રાથમિક શાળામાં નોકરી કરતા રમેશ નામના શિક્ષકે આજે પાંચમા ધોરણમાં ભણતી એક દીકરી સાથે અડપલાં કે છેડછાડ કર્યાની બાબત અમારા ધ્યાન પર આવી છે. આના અનુસંધાને અમારા દ્વારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને તપાસ સોંપવામાં આવી છે, તપાસના અંતે જો શિક્ષક કસૂરવાર થશે તો પગલાં લેવામાં આવશે. વાલીઓ દ્વારા પણ ઘોઘા પોલીસ સ્ટેશને શિક્ષક વિરોધ ફરિયાદ કરવા પહોંચ્યા હતા અને પોલીસ સ્ટેશનથી પણ માહિતી મગાવવામાં આવશે, હાલ શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ બંને તપાસ કરી રહ્યા છે.