ભાવનગર,ભાવનગરમાંથી વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરતું એક કોલ સેન્ટર ઝડપાયુ છે. કોલેજમાં અભ્યાસ કરતા આરોપીઓને નાની ઉંમરે કરોડપતિ બનવાના ચક્કરમાં અવળા રસ્તે ચઢ્યા હતા. આરોપીઓ અમેરિકન બેંકના કર્મચારી તરીકેની ઓળખણ આપી વિદેશી નાગરીકો સાથે ઠગાઈ કરતા હતા. અમેરિકાના નાગરિકોને લોન મંજૂર થયાનું જણાવી સીબીલ સ્કોર સુધારવાના નામે યુ.એસ ડોલર પડાવવાના ગોરખધંધા કરતા હતા.
પોલીસે ભાવનગરના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમના દ્વારા અમેરિકન બેંકના કર્મચારીની ખોટી ઓળખ આપી વિદેશી લોકોને વિશ્ર્વાસમાં લઈ પૈસા પડાવવાના ગોરખ ધંધા ચલાવતા હતા. પોલીસને ઘટનાની જાણ થતા શહેરના તરસમીયા કૈલાશ સોસાયટી વિસ્તારમાં “શક્તિ કૃપા” નામના મકાનમાં રહેતો આરોપી નિકુંજ ચૌહાણને ત્યાં દરોડા પાડ્યા હતા.
આરોપી નિકુંજ યુએસએ નાગરિકના લીડ ડેટા કોઈ રીતે મેળવી તેના માણસોને ડેટા આપી એસએમએસ અને ઈમેલ દ્વારા અમેરિકન નાગરિકને લોન મંજૂર થયાનું જણાવતો હતો. મેસેજમાં જણાવતા હતા કે તમારો સિબિલ સ્કોર ખરાબ હોવાથી તેને સુધારવા માટે ગિફ્ટ કાર્ડ તેમજ અન્ય માધ્યમથી પૈસા મેળવી છેતરપિંડી આચરતા હતા.
ભાવનગરમાં ૨૦૧૪ બાદ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડાયુ છે. જોકે વિદેશી નાગરિકોને છેતરીને નાની ઉમરમાં કરોડપતિ બનવાનું સપનુ હતુ. માટે કોલ સેન્ટરનું નેટવર્ક ગોઠવીને વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરવામાં આવતી હતી. ગઈકાલે પોલીસે રેડ પાડીને નિકુંજ ચૌહાણ, મયુર રાઠોડ અને કુણાલ પરમારની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓ પાસેથી લેપટોપ સહિતનો પોલીસે મુદ્દા માલ જપ્ત કર્યો છે. પોલીસની સૌથી મોટી કાર્યવાહીમાં ત્રણ શખ્સોની અટકાયત કરી છે. તેમજ કુલ ૧,૫૪,૫૦૦ નો મુદ્દા માલ પકડી પાડેલો છે. આ સાથે જ પોલીસ દ્વારા આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.