ભાવનગર,ધંધામાં પ્રગતિ અને વધુ પૈસા કમાવવાની લાલચમાં આવેલી મહિલાએ ભાવનગરના તાંત્રિક સાથે લગ્ન કર્યા બાદ તેણે ગોત્રી વિસ્તારમાં તાંત્રિક વિધિના બહાને દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ મહિલાએ નોંધાવતાં ગોત્રી પોલીસે આરોપી પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. તમારે કપડાં કાઢવા પડશે પછી પૈસાનો વરસાદ પડશે એમ કહી તાંત્રિક પતિએ મહિલાને વિશ્ર્વાસમાં લીધી હતી. ગોત્રી પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અગાઉ બે વાર લગ્ન કરી ચૂકેલી અને બે સંતાનોની માતા એવી ડાયવોર્સી મહિલા પિતાના મિત્ર દ્વારા તાંત્રિક કશ્યપ ઉર્ફે બાપુ હસમુખભાઈ રામાનુજ (સરદારબાગ,બોરતલાવ, જેલ સર્કલ પાસે, ભાવનગર)ના સંપર્કમાં આવી હતી.
તાંત્રિકે મહિલાને સારી નોકરી અપાવી તેનું બ્યુટી પાર્લર કરાવી આપવા માટે તાંત્રિક વિધિ કરવી પડશે એમ જણાવ્યું હતું. આ પછી કશ્યપ બાપુ ફેબ્રુઆરી-૨૦માં વડોદરા ડેપો ખાતે આવ્યા હતા અને મારે એક દિવસ રોકાવું છે એમ મહિલાને કહ્યું હતું. જેથી મહિલા ગોત્રી વિસ્તારમાં રહેતા તેના ધર્મના ભાઈને ત્યાં લઇ ગઇ હતી. જ્યાં ભાઈને બહાર જવાનું કહીને વિધિના બહાને અન્ય રૂમમાં બાપુ લઇ ગયા હતા. સિગારેટ કાઢીને સળગાવી હતી અને મહિલાનો હાથ પકડીને કહ્યું હતું કે ‘થોડું નડતર આવે છે એટલે તમારે કપડાં કાઢવા પડશે. મહિલાએ પૂછ્યું હતું કે, આ કેવી વિધિ છે કે મારે કપડાં કાઢવા પડશે? આ પછી બાપુએ બળજબરીથી મહિલા સાથે સંબંધ બાંધ્યો હતો.
સંબંધ થઇ ગયો એટલે આપણાં લગ્ન થઇ ગયા છે, આપણે પતિ-પત્ની થઇ ગયા છે. હું મારા માતા-પિતા સાથે વાત કરી લઉં પછી તમારે ભાવનગર આવવું પડશે. આ પછી અન્ય મિત્રોને ત્યાં લઇ જઇને પણ બાપુએ મહિલા સાથે દુષ્કર્મ કર્યું હતું. ઓક્ટોબર-૨૨માં બાપુના ખર્ચાથી મહિલાનું અંડાશયનું ઓપરેશન કરાવ્યું હતું અને ખોડિયારનગરમાં રહેતાં બાપુના મિત્રને ત્યાં પતિ-પત્નીની જેમ રહેતાં હતાં. ઓપરેશન માટે બીજા લોકો પાસેથી પૈસા લીધા હોઈ લોકો માગણી કરવા માટે આવતાં હોવાનું કારણ દર્શાવીને બાપુ મહિલાને છોડી ફરાર થઇ ગયો હતો. મહિલાની ફરિયાદના આધારે ગોત્રી પોલીસે કશ્યપ બાપુ સામે ઇપીકો ૩૭૬ મુજબનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.
મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ‘ઓપરેશન બાદ પણ બાપુ મારી સાથે શરીર બાંધવા માટે માગણી કરતો હતો. દુ:ખાવો હોઈ મેં ના પાડેલી હતી જેથી તે બાપુ મારી સાથે ઝઘડો કરતાં હતા. તે પછી તે ગાયબ થઇ ગયો હતો. ફરિયાદમાં બાપુ સામે ગંભીર આરોપ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.