ભાવનગર,
રાજ્યમાં રખડતા ઢોરના ત્રાસને લઇ ગુજરાત હાઇકોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાત હાઈકોર્ટે રખડતા પશુની સમસ્યા ઉકેલવા ગંભીરતાથી કામ કરવા સરકારને ટકોર કરી છે. ત્યારે હવે રાજકોટ બાદ ભાવનગરમાં પણ જાહેર માર્ગ પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂકાયો છે. ભાવનગર શહેરમાં રખડતા ઢોરની સમસ્યા વિકટ પ્રશ્ર્ન બની રહ્યો છે. વર્ષોથી આ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. કોર્પોરેશનના ઇતિહાસમાં પ્રથમવાર રસ્તા પર ગાયોને છૂટી મૂકી દેતા માલધારીઓ અને ૩ રજકા વેચવાવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. સાથે ભાવનગરમાં પણ જાહેર માર્ગ પર ઘાસચારો વેચવા પર પ્રતિબંધ મૂકાયો છે. ભાવનગરમાં રસ્તા પર પશુ માટે ઘાસચારો વેચનારની ખેર નહીં.
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા મેઘાણી સર્કલ પાસે સાંઈબાબા મંદિર નજીક, વડવા સનાતન સ્કૂલ પાછળ અને વડવા લક્ષ્મણ ધામ મંદિર પાસે રજકો વેચવાવાળા સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ સાથે શહેરમાં ગાયના છ માલિકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
શહેરની ભરતનગર ચોકડી પાસે કાનમાં ઈયર ટેગ લગાવેલી માલધારીની માલિકીની ગાયો રસ્તા રખડતી જોવા મળતા આ ટેગના આધારે રખડતી ગાયોના માલિકના નામ શોધી ગાયના ૬ માલિકો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે. આ ઉપરાંત ભાવનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક મામલે ૧૯ વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. શહેરના વિવિધ વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક માટે એક ખાસ ડ્રાઇવ યોજાઈ હતી. આ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી દુકાનોમાં ચેકિંગ હાથ ધરાયું હતું.