ગુજરાતમાં આખરે મેઘ મહેર થઈ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. સાથે જ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં વરસાદ આવી રહ્યો છે. અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં રવિવારે સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો. ધોધમાર વરસાદ આવતા લોકોને ગરમીથી રાહત મળી છે. સાથે ખેડૂતોને એક આશા બંધાય છે કે વરૂણદેવ મહેરબાની કરી રહ્યા છે, જેથી પાક સારો થશે. તો આ તરફ દક્ષિણ ગુજરાતના સુરત અને ભરૂચ સહિતના વિસ્તારોમાં સતત વરસાદ આવી રહ્યો છે. વર્ષાૠતુના આગમનની છડી પોકારાઈ જતા લોકોને ગરમીથી રાહત મળશે તેવી રાહ છે.
આ તરફ રાજ્યમાં વરસાદ તો આવ્યો, પરંતુ સાથે મુશ્કેલીઓ પણ લાવ્યો જ છે. હજુ તો સીઝનની શરૂઆતના જ વરસાદે તંત્રની પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. બોટાદમાં અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહનચાલકો ફસાઈ ગયા. તો મોરબી અને રાજકોટમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જતા ત્યાંથી પસાર થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો.ભાવનગર જિલ્લામાં વરસાદે રાજાની જેમ એન્ટ્રી કરી છે. ભાવનગરના પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદનું આગમન થયું છે. શહેરના અનેક વિસ્તારોમાં મેઘરાજાની ધમકેદાર બેટિંગ જોવા મળી છે.પાલીતાણાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. પાલીતાણાના સોનપરી, ઘેટી, દુધાળા, નાનીમાળ, કંજરડા, ડેમ, ભૂતિયા, મોટી પાણીયારી, અનિડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું છે. વરસાદને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના વીજળી પડવાનો ભયાનક કિસ્સો કેમેરમાં કેદ થયો છે. ગારીયાધાર તાલુકાના રૂપાવટી ગામમાં વીજળી પડી હતી. મુકેશભાઈ માધવજીભાઈ ગોયાણીના ઘરના ધાબા પર લગાવેલા સોલાર હિટર પર વીજળી પડી હતી. વીજળી સોલાર હિટરના પાઇપ અને ધાબુ તોડી જમીનમાં સમાઈ ગઈ હતી. વીજળી પડતા સોલાર હિટર અને સ્લેબને મોટું નુક્સાન થયુ છે. સદનસીબે વીજળી પડતા કોઈ જાનહાનિના સમાચાર નથી.
ભાવનગર જિલ્લાના પાલીતાણા પંથકમાં પણ વીજળી પડવાની ઘટના કેમેરામાં કેદ થઈ. આ ઘટનાથી લોકોમાં કુતુહલ સર્જાયું હતું. પાલીતાણાના શક્તિનગર વિસ્તારમાં વિજપોલ પર વીજળી પડી હતી. પાલીતાણા પંથકમાં આજે બપોર બાદ ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ત્યારે ચાલુ વરસાદે પાલીતાણા ના શક્તિનગર વિસ્તારમાં ભારે ગર્જના સાથે વીજળી પડી હતી. વીજળી પડતા સમગ્ર વિસ્તારની લાઈટ ગુલ થઈ ગઈ હતી. જોકે વીજળી પડવાની ઘટનામાં કોઈ જાનહાની ના સમાચાર નથી.
ગોંડલ તાલુકાના વેજાગામમાં પણ ધોધમાર વરસાદ વચ્ચે વીજળી પડી હોય તેવો વીડિયો સામે આવ્યો છે. રવિવારે બપોરના સમયે વીજળી પડી હોવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. વીજળી પડ્યાને લઈને કોઈ જાનહાનિના સમાચાર નથી.
બનાસકાંઠા જિલ્લામાં બરાબરનો વરસાદી માહોલ છવાયો હતો. વહેલી સવારે પાલનપુરમાં વરસાદ વરસ્યો હતો. તો પાલનપુર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ નોંધાયો. વડગામ, અમીરગઢમાં પણ છવાયો વરસાદી માહોલ છવાયો છે. ડીસા, દાંતીવાડા પંથકમાં વરસાદ જામ્યો છે. મેઘરાજાના આગમનથી ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે.