ભાવનગરના ખેડૂતો સરકારના નિકાસબંધીના નિર્ણયને કારણે આર્થિક પાયમાલીમાં ધકેલાઈ ગયા છે. ખેડૂતોને હાલ ઉત્પાદન ખર્ચ પણ ન નીકળતા ખેડૂતોને ભારે નુકસાન સહન કરવુ પડી રહ્યુ છે. પુરતા ભાવ ન મળતા ખેડૂતોને ખર્ચ માથે પડ્યો છે અને પડતર પણ મળી રહી નથી જેને લઈને ખેડૂતોની સમસ્યાનો કોઈ પાર રહ્યો નથી.
રાજ્યમાં ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે. ભાવનગરના તળાજા, મહુવાની ડુંગળીની ગુણવત્તા પણ ઘણી સારી હોવાનું વેપારીઓ જણાવે છે. જેથી અન્ય રાજ્યોમાં પણ ભાવનગરની ડુંગળીની મોટી માગ રહે છે. ગુજરાતમાં ડુંગળીના કુલ ઉત્પાદનમાં 67 ટકા જેટલુ ડુંગળીનું ઉત્પાદન ભાવનગરમાં થાય છે. ખેડૂતોએ છેલ્લા ચાર પાંચ મહિના સુધીની મહેનત બાદ ખેડૂતોએ ડુંગળીનું ઉત્પાદન તો કરી નાખ્યુ પરંતુ નિકાસબંધીના નિર્ણયે ખેડૂતોને આર્થિક પાયમાલીમાં ધકેલી દીધા છે.
જે ડુંગળીના ભાવ એક સપ્તાહ પહેલા 400 રૂપિયા હતા એ આજે 150 રૂપિયાથી લઈને 250 રૂપિયા આસપાસ એક મણ વેચાઈ રહી છે. આ માત્ર ભાવનગર માર્કેટિંગ યાર્ડની સ્થિતિ નથી. મહુવા અને તળાજા માર્કેટિંગ યાર્ડમાં પણ ડુંગળી 150 થી 200 રૂપિયે વેચાઈ રહી છે. શ્રેષ્ઠ ક્વોલિટીની ડુંગળી પણ માત્ર 350 રૂપિયે વેચાઈ રહી છે. હાલ ખેડૂચોની એક જ માગ છે કે કોઈપણ ભોગે સરકાર નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લે. ખેડૂતોને પુરતા ભાવ ન મળતા હોવાથી ભાવનગર, તળાજા, મહુવા, ગોંડલ, રાજકોટ સહિતના માર્કેટ યાર્ડમાં છેલ્લા 5 દિવસથી ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે.
મહુવામાં પણ ખેડૂતોએ મોટી સંખ્યામા એક્ઠા થઈ વિરોધ નોંધાવ્યો હતો. જો કે પોલીસે તમામ ખેડૂતોની અટકાયત કરી છે. જે બાદ ડુંગળીની હરાજી શરૂ થઈ હતી. આવનારા દિવસોમાં ડુંગળીનો મબલખ પાક વેચાણમાં આવી શકે તેમ છે. બાંગ્લાદેશ અને નેપાળ એવા દેશો છે કે, જ્યાં નબળી ગુણવત્તાની ડુંગળીની ખૂબ મોટી માગ છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ બે દેશોમાંથી જો નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવવામાં આવે તો સીધો ફાયદો ખેડૂતને થાય તેમ છે. અથવા તો સરકાર ટેકાના ભાવ જાહેર કરીને ડુંગળી ખરીદે તો પણ ખેડૂતોને ભાવ મળે તેવી શક્યતા રહેલી છે. આર્થિક સમસ્યામાં ખેડૂતો વધારે ઘેરાય તે પહેલા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કોઈ નિર્ણય લે તે ખેડૂતોના હિતમાં છે.