
ભાવનનગરના મહુવામાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. મહુવામાં તબીબની બેદરકારીએ પત્ની બાદ પતિનો પણ ભોગ લીધો. ન્યાયની આશામાં નિરાશ પતિએ આપઘાત કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી. પોલીસે આ મામલે તપાસ હાથ ધરી.
ઘટનાની પ્રાપ્ત વિગત મુજબ મહુવાના નૈપ ગામમાં આવેલ હોસ્પિટલના તબીબની બેદરકારીએ મહિલાનો જીવ લીધો. નૈપ ગામની કાજલ બારૈયા નામની મહિલાને ગાયનેક પ્રોબ્લેમ હોવાથી ખાનગી હોસ્પિટલમાં ચેકઅપ માટે ગઈ હતી. જયાં મહિલાની તપાસ કરી રહેલ તબીબે કાજલબેનને હોસ્પિટલમાં દાખલ થવા કહ્યું. પરંતુ સારવાર દરમ્યાન મહિલાનું મોત થતા પતિએ તબીબ પર બેદરકારીનો ગંભીર આરોપ લગાવ્યો.
મહિલા દર્દી કાજલ બારૈયા બેનના પતિ નિરેશ બારૈયા દ્વારા હોસ્પિટલના તબીબ વિરુદ્ધ ફરિયાદ કરી. નિરેશ બારૈયાનું કહેવું છે કે તેમની પત્નીને સામાન્ય ગાયનેક પ્રોબ્લેમ હતો. તબીબની સલાહને અનુસરી તેમની પત્ની હોસ્પિટલમાં દાખલ થઈ હતી. પરંતુ તબીબની બેદરકારીએ તેમની પત્નીનો ભોગ લીધો. પત્નીનું મૃત્યુ થતા પતિ નિરેશ બારૈયા પોલીસમાં ફરિયાદ કરી હતી. જો કે પોલીસનું ઢીલું વલણ જોઈ નિરેશ બારૈયા નિરાશ થયો.
નિરેશ બારૈયાને લાગ્યું કે હોસ્પિટલના તબીબ વધુ વગ ધરાવે છે આથી તેની સામે કાર્યવાહી કરવામાં પોલીસ ગલ્લાં-તલ્લાં કરી રહી છે. આથી જ આવેદન બાદ ન્યાય નહી મળે તેમ સમજી કાજલના પતિએ અંતિમ પગલું લેતા આપઘાત કર્યો. આજે સવારે જ નિરેશ બારૈયાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. તબીબની બેદરકારીના લીધે નૈપ ગામના બે લોકોના જીવ ગુમાવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો. ગ્રામજનો તબીબ સામે કાર્યવાહી કરવાની માંગ કરતા ઉગ્ર દેખાવો કર્યા હતા.
મહત્વનું છે કે મહુવાના આ કિસ્સો આંખ ઉઘાડનારો છે. જો અપરાધ કરનાર વગદાર લોકો સામે હજુ પણ કોઈ પોલીસ કાર્યવાહી નહી થાય તો પીડિતો ન્યાય મળવાની નિરાશમાં આવું પગલું ભરતા રહેશે. જો લોકોની ફરિયાદ લખવામાં પણ વિલંબ થતો હોય તો પછી ન્યાય મેળવવો તો દૂરની વાત રહી. છેલ્લા કેટલાક સમયમાં ન્યાય માટે સંઘર્ષ વધ્યો છે. જે આધુનિક સમાજ માટે વધુ ચિંતિત બાબત કહી શકાય. મહુવામાં તબીબની બેદરકારીએ એક નહિ બે જણનો જીવ લીધો. પત્નીનું મૃત્યુ થતા પતિએ પણ ન્યાય ના મળવાની હતાશામાં આપઘાતનું પગલું ભર્યુ. આજે ગુનેગાર ખુલ્લેઆમ ફરે છે અને ભોગ બનાનારા વધુ સજા ભોગવે છે.