ભાવનગરમાં એક શખ્સે શાકભાજીની સાથે ગાંજાના છોડનું પણ વાવેતર કર્યુ હોવાની બાતમીના આધારે પોલીસે તેને ત્યાં દરોડા પાડી તેની ધરપકડ કરી છે. પોલીસને બાતમી મળી હતી કે બોરતળાવ મફતનગરમાં એક શખ્સે શાકબાજીની સાથે ગાંજાના છોડનું પણ વાવેતર કર્યું હોવાની બાતમી મળતા પોલીસે રેડ પાડી રૂ. ૧.૨૦ લાખની કિંમતના કુલ ૨૩ કિલો વજન ધરાવતા ૫૮ છોડ કબજે કરી ગાંજાનું વાવેતર કરનાર શખ્સ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી હતી.
બોરતલાવ મફતનગરમાં રહેતા રામજી ઉર્ફે રામદાસ જેસીંગ પરમાર નામના શખ્સે તેના ઘર પાસેના ફળીયામાં શાકભાજીનું વાવેતર કર્યું છે તેમાં સાથે ગાંજાના છોડ પણ વાવ્યા છે એટલે પોલીસે બાતમીના આધારે રેડ પાડતાં આ શખ્સે તેના ઘર પાસે ૩૦થી ૩૫ ચો.મી.ના વિસ્તારમાં ભીંડો, મરચા અને ટમેટા વાગ્યા હોવાનું અને તેમાં છૂટાછવાયા ગાંજાના છોડ પણ વાવેલા હોવાનું જોવા મળ્યું હતું એટલે પોલીસે એફએસએલની ટીમને સ્થળ પર બોલાવી હતી.
પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ તેને ગાંજાની આદત હોવાનું અને જરૂર હોય તો તેનું વેંચાણ પણ કરતો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આધેડની ધરપકડ કરી તેની સામે કાર્યવાહી કરી છે. આ પહેલાં ભાવનગર જિલ્લામાં ગાંજાની ખેતીનો પર્દાફાશ થયો હતો. જિલ્લાના પાલીતાણાનાં જાળિયા ગામમાં ગાંજાનું વાવેતર થયાની પોલીસને બાતમી મળી હતી. જે બાદ પોલીસે તપાસ કરતા કપાસની આડમાં ગાંજાની ખેતી મળી હતી. પોલીસે આ કેસમાં પંકજ ચૌહાણ નામના શખ્સની ધરપકડ કરી છે.
આ ઉપરાંત બીજું બાજુ વલસાડમાં નશાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. ડુંગરી પોલીસને બાતમી મળી કે, વલસાડ હાઈવે પર પસાર થતી એક કારમાં ગાંજાનો જથ્થો છે. જે બાદ પોવીસે વોચ ગોઠવી હતી. જો કે ગાંજાની હેરાફેરી કરનાર વ્યક્તિને પોલીસની ગંધ આવી જતા સુરત તરફ કાર લઈને ભાગ્યો હતો. જે બાદ પોલીસે પીછો કર્યો પણ નશાના સોદાગરને ઝડપવામાં સફળતા ન મળી.
આ પહેલા ભરૂચના નેત્રંગ પો.સ્ટે. વિસ્તારમાંથી ગેરકાયદેસર ગાંજાના છોડનું વાવેતર કરનાર આરોપીને લીલા ગાંજાના છોડ સાથે ભરૂચ એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યા હતા. સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર આનંદ ચૌધરીની ટીમે રણજીતસિંહ જેસંગબાવા રાજ રહેવાસી નવી નગરી રાજપારડી રોડ, નેત્રંગની ધરપકડ કરી છે.