
ભાવનગર,રાજ્યમાં વરસાદી માહોલ આજેપણ યથાવત રહ્યો છે અને સાર્વત્રિક વરસાદના અહેવાલો છે,દરમિયાન આજે સવારે ૧૦ વાગ્યા સુધીમાં ૮૦ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભાવનગરમાં સાડા ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે ભાવનગરમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા છે. ભાવનગર શહેરમાં પડેલા વરસાદને લઈ અનેક સોસાયટીઓમાં વરસાદી પાણી ઘુસ્યા છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. ૧૨ વાગ્યા સુધીમાં ભાવનગર તાલુકામાં સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો છે. ૧૨ વાગ્યા સુધીમાં ભાવનગરના સિહોર, ઉમરાળામાં ૨-૨ ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદથી ભાવનગરના અનેક વિસ્તારો જળબંબાકાર છે. કુંભારવાડા, અક્ષય પાર્ક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. મનપાની પેટા કચેરીમાં પણ વરસાદી પાણી ઘુસ્યા છે. લીલા સર્કલ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે. રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા છે.
શહેરના સીદસર રોડ પાસે આવેલ વાણંદ સોસાયટી તેમજ શિવનારાયણ સોસાયટીમાં વરસાદી ઘુસી ગયા હતા. લોકોના ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. સોસાયટીઓમાં પાણી ઘુસી જતા ઘરવખરી પાણીમાં ગરકાવ થઇ ગઇ છે. ભાવનગરમાં પાંચ દિવસની આગાહીના પગલે વહેલી સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો.
ગુજરાતમાં સાર્વત્રિક ચોમાસાનો માહોલ છે અને જુનાગઢ બાદ હવે અન્ય જિલ્લાઓમાં આભમાંથી આફત વરસી રહી છે. ૨૩ જુલાઇ, ૨૦૨૩ રવિવારના રોજ ગુજરાતમાં સવારના ૬ થી બપોરના ૧૨ વાગ્યા સુધીના છ કલાકમાં ભાવનગરમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે. જેમાં ભાવનગર શહેરમાં ૧૧૭ એમએમ, સિહોરમાં ૫૧ એમએમ, રાજકોટના કોટડા સાંગાણીમાં ૯૪ એમએમ અને લોધિકામાં ૭૨ એમએમ, જામનગરના લાલપુરમાં ૮૩ એમએમ, અમરેલીના બાબરામાં ૭૭ એમએમ વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે મહત્વની આગાહી કરી છે. આગામી ૨૪ કલાક રાજ્યમાં વરસાદનું જોર યથાવત રહેશે. બે દિવસ બાદ વરસાદનું જોર ઘટશે. જોકે પાંચ દિવસ સુધી છુટછવાયો વરસાદ રહેશે. પાંચ દિવસ રાજ્યભરમાં વરસાદી માહોલ રહેશે જો કે ૨૪ કલાક બાદ વરસાદનું જોર ઘટશે. હવામાન વિભાગે આજે રાજકોટ, દ્વારકા, ભાવનગર, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં રેડ અલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારમાં આજે અને આવતી કાલે એટલે ૨૪ જુલાઇ સુધી ભારે વરસાદ રહેશે. ૨૪ જુલાઇ સુધી સૌરાષ્ટ્રમાં પણ ભારેથી અતિભારે વરસાદની સ્થિતિ રહેશે. નવસારી, જામનગર, કચ્છ, અમરેલી, સોમનાથ, જૂનાગઢ, ભરૂચ,વડોદરામાં ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.