
ભાવનગરમાં મહાનગરપાલિકાના દબાણ હટાવ સેલ દ્વારા દ્વારા તરસમીયા વિસ્તારમાં મેગા ડીમોલેશન હાથ ધર્યું હતું. એક દરગાહ અને શિવાજી સર્કલ પાસે એક મામાનો ઓટલો તોડી નાખવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ ભાવનગર મહાનગરપાલિકાના દબાણ હટાવો ટીમ દ્વારા આજે તરસમિયાં ટીપી સ્કીમ નં.13માં જાહેર રસ્તા પર અડચણરૂપ બને તે રીતે ગેરકાયદે ચણાયેલ મકરાણી શાપીરની 3 દરગાહ તથા અન્ય રહેણાંકના બાંધકામ હટાવવા 3 જેસીબી સાથે ટાઉન પ્લાનિંગ વિભાગે ઓપરેશન હાથ ધર્યું હતું અને બાંધકામ તોડી પડાયા હતા. 12 મીટર અને 21 મીટરના રોડ પર જુદા જુદા દબાણો પર તંત્રએ કાર્યવાહી કરી હતી.
દરગાહનું ડીમોલીશન અટકાવવા કોર્ટમાં દાદ મંગાઈ હતી, આ કેસમાં કોર્પોરેશનને નિયમ મુજબ કાર્યવાહી કરવા મંજૂરી મળતાં જ ઓપરેશન હાથ ધરાયું હતું. કોઈ અનિચ્છનિય બનાવ બને નહિ એ માટે ડીવાઇ એસપી., પી. આઇ, પી.એસ. આઈ. અને 20થી વધારે પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત રહ્યો હતો. કોર્પોરેશનના 25થી વધુ સ્ટાફનો કાફલો પણ જોડાયો હતો.આ ઉપરાંત શિવાજી સર્કલ પાસે આવેલ મામાનો ઓટલો પણ તંત્ર દ્વારા તોડી પાડી નાખવામાં આવ્યો હતો.