ભાવનગર વરસાદી આફતનો સામનો કરી રહ્યુ છે ત્યારે કોર્પોરેટર કિશોર ગુરુમુખાણીએ સરકારી ગાડીમાં રીલ બનાવતા વિવાદ સર્જાયો છે. તેમનો સરકારી ગાડી સાથેનો વિડીયો વાઇરલ થયો છે. આમ પ્રજાની તકલીફો દૂર કરવા માટે કોર્પોરેટરને આપવામાં આવેલી સરકારી ગાડીનો દૂરુપયોગ થયો છે. એકબાજુએ પ્રજા વરસાદી આફતમાં પીસાઈ રહી છે ત્યારે સરકારી ગાડી લઈ જઈને મદદ કરવાના બદલે શાસક પક્ષના નેતા શા માટે તેમનો રોફ મારવા ગાડીનો ઉપયોગ કરે છે.
પ્રજાએ ચૂંટેલા કોર્પોરેટરો શું તે ભૂલી જાય છે કે તેમને આ સગવડ લોકોની સેવા માટે મળી છે, તેમની સત્તા બતાવવા કે લોકો પર રોફ જમાવવા મળી નથી. આટલેથી પણ અટક્તા ન હોય તેમ હવે તેઓ ભાવેણાની પ્રજાની સેવા કરવાના બદલે સરકારી ગાડીમાં રીલ બનાવે છે.
આ લોકો શું ભાવનગરની પ્રજાને મૂરખ સમજે છે. શું તેઓ એવું માને છે કે સરકારી ગાડી તેમને મોજમજા કરવા માટે મળી છે. કમસેકમ આ વિડીયો તો આ જ વાતની સાક્ષી પૂરે છે. શું આ જ ગુજરાતના નેતાઓના લખ્ખણ છે કે પ્રજા વરસાદી આફતનો સામનો કરતી હોય ત્યારે પોતે રોફ મારતા રહેવું. શહેર પ્રમુખ આ બનાવની સુધ લઈને જાતે કાર્યવાહી કરશે કે પછી લોકો પગલાં લે તેની રાહ જોશે.
ભાવનગરની પ્રજાનું કહેવું છે કે આમ સ્થાનિક નેતાએ તેના લખ્ખણ ઝળકાવ્યા છે. હવે આગામીચૂંટણીમાં અમે તેને બરોબરનો જવાબ આપીશું. લોકોને જ્યારે મદદની જરૂર છે ત્યારે તેમની મદદ કરવાના બદલે આ રીતે રીલ બનાવે તે ક્યાંથી ચાલે.