ભાવનગરના ગારીયાધારમાં કેજરીવાલ, ભગવંત માનની સભા : પાસ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા AAPમાં જોડાયા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ગુજરાતના રાજકારણના મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં ગુજરાતમાં પાટીદારોમાં મજબૂત પકડ ધરાવતા અલ્પેશ કથીરિયા આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા છે. આજે ભાવનગરના ગારિયાધારમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની હાજરીમાં અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયાએ આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કર્યો છે. 

કેજરીવાલે ખેસ પહેરાવી અલ્પેશ કથીરિયાને આવકાર્યા
અરવિંદ કેજરીવાલ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવ્યા છે. ત્યારે આજે ભાવનગરના ગારીયાધાર ખાતે અરવિંદ કેજરીવાલની જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ગારિયાધાર ખાતે હાજર રહ્યા હતા. આ વેળાએ આપના નેતાઓની હાજરીમાં જ અલ્પેશ કથીરિયા વિધિવત રીતે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. તેમની સાથે જ ધાર્મિક માલવિયા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે અલ્પેશ કથીરિયા પાટીદાર અનામત આંદોલન સમયે હાર્દિક પટેલના સાથી રહી ચૂક્યા છે અને સમાજમાં આગવી ચાહના ધરાવતા હોવાથી AAPને આગામી ચૂંટણીમાં સારો ફાયદો થઇ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અલ્પેશ કથીરિયા વરાછા બેઠક પરથી તો ઓલપાડ બેઠક પરથી ધાર્મિક વિધાનસભાની ચૂંટણી લડી શકે છે. 

અગાઉ જાગી હતી ચર્ચા
ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલાં અલ્પેશ કથીરિયાને લઇને ગુજરાતના રાજકારણમાં કેટલાય સમયથી ચર્ચા ચાલતી હતી. અગાઉ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા ભાજપમાં જોડાઈ શકે છે તેવી શક્યતા સેવાઇ હતી. અગાઉ કોંગ્રેસમાં જોડાવાની વાતે પણ જોર પકડયું હતું. તેવામાં અલ્પેશ કથીરિયાએ  નિવેદન આપી ભાજપમાં જોડાવાની વાત માત્ર અફવા ગણાવી હતી. સરકાર પાટીદારોની માંગણીઓ નહીં સ્વીકારે ત્યાં સુધી હું ભાજપમાં નહિ જોડાવ તેવું નિવેદન પણ અલ્પેશ કથીરિયાએ આપ્યું હતું.

ધાર્મિક માલવિયા પણ જોડાયા AAPમાં
પહેલા ભાજપમાં જોડાવાની વાતને લઇને અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, આ વાત માત્ર ચર્ચા છે, આમાં કોઈપણ પ્રકારની તથ્યતા નથી. અમારી માંગણી ખૂબ જ સ્પષ્ટ છે. આ સરકાર અને આ પાર્ટી સામે અમારી માંગણીઓ છેલ્લા 6 વર્ષથી પેન્ડિંગ છે. શહીદ પરિવારને નોકરી ફાળવવામાં આવે અને સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓ ઉપરના કેસો પરત ખેંચવામાં આવે. આ બે મુદ્દા પર સરકાર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરે. આવનારા દિવસોમાં સરકાર આ બાબતે શું કાર્યવાહી કરી રહી છે આ તમામ બાબતો પર ધ્યાન નજર રાખી રહ્યા છે. જે બાદ રાજકીય પ્રકારના નિર્ણય અમે જાહેર કરીશું. આ ઉપરાંત તેમણે દાવો કર્યો હતો કે, તેમને ભાજપ,કોંગ્રેસ અને AAPમાંથી ઓફર આવી છે. ત્યારબાદ હવે આ અટકળોના અંત સમાન અલ્પેશ કથીરિયા ગારીયાધાર ખાતે કેજરીવાલની સભામાં AAPમાં જોડાયા છે.