ભાવનગર જિલ્લામાંથી એમ.ડી ડ્રગ્સ સાથે બે મહિલા સહિત આંઠ ઈસમો ઝડપાયા

ભાવનગર, યુવાધનને બરબાદ કરતા નશીલા પદાર્થોની હેરાફેરી સતત વધી રહી છે. નબીરાઓ મોંઘી કિંમતના નશાના આદિ બની રહ્યા છે. જેને ડામવા પોલીસે પણ કમરક્સી છે. જેમાં બાતમી આધારે એસ.ઓ.જી પોલીસની ટીમે અલગ અલગ બે દરોડામાં કુલ મળી ૪૩ લાખથી વધુ કિંમતના ૪૩૩ ગ્રામ એમ.ડી ડ્રગ્સ સાથે બે મહિલા સહિત ૮ ઈસમોને ઝડપી પાડી તેની વધુ પૂછપરછ હાથ ધરી છે

ભાવનગર એ.સો.જીની ટીમે ભાવનગર શહેરના સનેસ પોલીસ સ્ટેશન નજીકથી વેગડ નદીના પુલ પાસેથી ૯.૧૮ લાખ રૂ.ની કિંમતના એમડી ડ્રગ્સ સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા છે. ભાવનગર એસોજીના સ્ટાફને ખાનગીરાહે મળેલી બાતમીના આધારે ભાવનગર-અમદાવાદ હાઇવે પર માઢીયા ગામ નજીક વેગડ નદીના પુલ ઉપર બોલેરો કારની વોચમાં હતા, ત્યારે ત્યાંથી બાતમી આધારિત નંબર વાળી બોલેરો કાર પસાર થતા તેને અટકાવી તેમાં રહેલા ચારેય ઇસમો અહેમદભાઈ મનસુરી, એજાજ હનીફભાઈ મન્સૂરી, અલ્ફાજ સાદિકભાઈ ગોરી અને હુસેન કલીવાળાની પૂછપરછ કરી તપાસ કરતા તેમની પાસેથી ડ્રગ્સ મળી આવ્યું હતું.

જેને પગલે એફ.એસ.એલને બોલાવી તેને ચેક કરતા તેની પાસેનું આ ડ્રગ્સ એમડી ડ્રગ્સ હોવાનું સામે આવ્યું હતું..જેનું વજન ૯૨ ગ્રામ અને જેની કિંમત ૯,૧૮,૦૦૦ હજાર થવા જાય છે…આ સિવાય તેમની પાસેથી મોબાઇલ કાર સહિત કુલ ૧૬,૩૪,૦૭૯ રૂપિયાનો મુદ્દામાલ સાથે ઝડપી લઇ તમામ સામે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે આ ઝડપાયેલા ચાર ઇસમોની આકરી ઢબે પૂછપરછ કરતા આરોપીઓ પાસેથી વધુ બાતમી મળતા તેના આધારે પોલીસે ૨ મહિલા અને બે પુરુષો પાસેથી ૩૪૦ ગ્રામ જેટલો એમ.ડી.ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે ૩૩ લાખ જેટલી થવા જાય છે. પોલીસે ઇબ્રાહિમ સિદ્દી, રાહીદ ઉર્ફ શહેજાદ ડેરૈયા, કનિજફાતિમા ઉર્ફ સુમૈયાબેન અને સનાબેન રોહિલાને પણ ઝડપી ડ્રગ ક્યાંથી લાવ્યા હતા અને કોને પહોંચાડવાનું હતું, વગેરે માહિતી માટે પૂછપરછ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાધનને નશાના રવાડે ચડાવી તેમનું જીવન માત્ર થોડા પૈસા માટે બરબાદ કરતા આવા અસામાજિક તત્વો જાણે કે બેફામ બન્યા છે..જોકે તેમની શાન કઈરીતે ઠેકાણે લાવવી તેની ગુજરાતને પોલીસને પણ ખબર છે ..અને એટલે જ આવા ડ્રગ્સ માફિયાઓને ખુણે ખુણેથી પકડીને તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે હાલતો ભાવનગરથી પકડાયેલા આ ડ્રગ્સ માફિયાઓની વધૂ પૂછપરછ કરી તેઓ કેટલા સમયથી ડ્રગ્સની હેરાફેરીમાં સંકળાયેલા છે તેમજ અન્ય કોણ કોણ આ નશાના કારોબારમાં સામેલ છે તેને લઈને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.