ભાવનગર: ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો, સ્ટીંગ ઓપરેશનમાં તબીબની ગેરરીતિનો પર્દાફાશ

ભાવનગર, ભાવનગરમાં ગર્ભ પરીક્ષણ કરતો તબીબ ઝડપાયો. સ્મિતા એક્સરે સોનોગ્રાફીક સેન્ટરમાં તગડી ફી લઈ લિંગ પરીક્ષણ કરવાનો ધંધો ચાલતો હતો. સ્ટીંગ ઓપરેશનમાં સ્મિતા એક્સરે સોનોગ્રાફિક સેન્ટરમાં ડોકટર મહેન્દ્ર શાહ ગર્ભ પરીક્ષણ કરતા હોવાનો પર્દાફાશ થયો છે. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાશે. નોંધનીય છે કે અગાઉ પર આ જ ક્લિનિકમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ કરાતું હોવાનું સામે આવ્યું હતું. તબીબ હાલમાં પણ કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યો છે. દરમ્યાન ફરી આ જ ક્લિનિકના ડોક્ટર મહેન્દ્ર શાહ ગર્ભ પરીક્ષણ કરતા હોવાનું સામે આવતા વિભાગની કાર્યવાહી પર સવાલો ઉઠ્યા છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ કળાનાળા સુખશાંતિ કોમ્પ્લેક્ષમાં સ્મિતા એક્સરે એન્ડ સોનો ગ્રાફીક સેન્ટર આવેલ છે. આ સોનોગ્રાફી સેન્ટરમાં ડો.મહેન્દ્ર શાહ દર્દીઓના પરીક્ષણની કામગીરી કરતા હોય છે. તબીબ પોર્ટેબલ સોનોગ્રાફી મશીનથી લિંગ પરીક્ષણ કરતા હોવાની એક જાગૃત નાગરિક દ્વારા આરોગ્ય વિભાગને ફરીયાદ કરવામાં આવી. જાગૃત નાગરિકની ફરિયાદ બાદ તબીબને રંગે હાથ ઝડપી લેવા દ્વારા ગુપ્ત રીતે સ્ટીંગ ઓપરેશન હાથ ધરાયું. સ્ટીંગ ઓપરેશનમાં તબીબના ગેરકાયદેસર કામોનો પર્દાફાશ થયો. તબીબ તગડી ફી લઈ પ્રતિબંધિત લિંગ પરીક્ષણ કરતા હોવાનું સામે આવ્યું. ડોક્ટર પોતાના તબીબ અનુભવનો દુરુપયોગ કરી તગડી ફી લઈ લિંગ પરીક્ષણ કરી રૂપિયા કમાવવા ગેરકાયદેસર ધંધો ચલાવી રહ્યો હતો. આરોગ્ય વિભાગની ટીમે તબીબને ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધનીય છે કે અગાઉ પણ આજ ક્લિનિક અને આજ ડોક્ટર સામે ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણ થયાની ફરિયાદ ઉઠી હતી. એ સમયે પણ જાગૃત નાગરિકે ફરિયાદ કરતા ડોક્ટર સામે કાર્યવાહી કરતા મશીનો જપ્ત કરાયા હતા. ડો મહેન્દ્ર શાહ વિરુદ્ધ કોર્ટ કર્યવાહી ચાલતી હોવા છતાં ફરી તેઓ સમાન ગુનામાં ઝડપાયા છે. આરોગ્ય વિભાગ એક બાજુ સ્ટીંગ ઓપરેશન કરી ગેરકાયદેસર રીતે કામ કરતા ડોક્ટર મહેન્દ્ર શાહને ઝડપે છે ત્યારે કાનૂની કાર્યવાહી ચાલતી હોવા છતાં ડોકટર કોના આશીર્વાદથી આ ક્લિનિક ચલાવી રહ્યા છે તે ચર્ચા સેવાઈ રહી છે. આ મામલે આરોગ્ય અધિકરીઓ પણ શંકા ની સોય સેવાઈ રહી છે.