
ભાવનગર,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે ભાવનગર પશ્ચિમ બેઠક માટે જિતુ વાઘાણીએ ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. કુંભારવાડા વિસ્તારમાં કાર્યાલયનું ઉદ્ધાટન કરી જિતુ વાઘાણીએ વિશાળ જનસભાને સંબોધી હતી. પરંતુ ભાવનગરમાં ભાજપથી નારાજ ગોહિલવાડ રાજપૂત સમાજ મહિલા પાંખ દ્વારા શહેરનાં મિલ્ટરી સોસાયટી ખાતે ક્ષત્રિય મહિલા સંમેલન યોજાયું હતું. જેથી જીતુ વાઘાણીના ગઢમાં સંમેલન યોજાતા વિધાનસભા બેઠકના સમીકરણો બદલાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાવનગરમાં ભાજપથી નારાજ ગોહિલવાડ રાજપૂત સમાજ મહિલા પાંખ દ્વારા શહેરનાં મિલ્ટરી સોસાયટી ખાતે ક્ષત્રિય મહિલા સંમેલન યોજાયું હતું. જેમાં ૨ હજાર થી વધુ મહિલાઓએ હાજરી આપી હતી. સમાજ દ્વારા કોંગ્રેસના ઉમેદવાર કે.કે ગોહિલને જાહેરમાં સમર્થન આપી જીતનો વિશ્વાસ અપાવ્યો હતો. જીતુ વાઘાણીના ગઢમાં સંમેલન યોજાતા વિધાનસભા બેઠકના સમીકરણો બદલાય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
ભાવનગર શહેર અને જિલ્લામાં ગોહિલવાડ રાજપુત સમાજ દ્વારા વખતો વખત મહાસંમેલન યોજીને દરેક પક્ષ પાસે ટિકિટની માંગ કરવામાં આવી હતી. જોકે ભાજપ દ્વારા ભાવનગરની સાત વિધાનસભા બેઠક પૈકી એક પણ ટિકિટ ન ફાળવતા ક્ષત્રિય સમાજમાં નારાજગી જોવા મળી રહી છે. જેને લઇને ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ વિરોધી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેના ભાગરૂપે આજે શહેરના પ્રેસ ક્વાર્ટર ખાતે ગોહિલવાડ મહિલા રાજપૂત સમાજ દ્વારા સામાજિક જાગરણ સંમેલન યોજાયું હતું. જેમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજની મહિલાઓ ઉપસ્થિત રહી હતી.
આ કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજ પ્રમુખ વાસુદેવસિંહ ગોહીલ અને પશ્ચિમ વિસ્તારના કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ કુંભાજી ગોહિલ (કે.કે.ગોહિલ) ને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેના પગલે કોંગ્રેસના ઉમેદવાર કિશોરસિંહ ગોહિલ સંમેલન સ્થળ પર ઉપસ્થિત થતા તમામ ક્ષત્રિય મહિલાઓ એ તાળીઓના ગડગડાટ સાથે જાહેરમાં ખુલ્લું સમર્થન આપી તેમને જીત અપાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ અગાઉ પણ ક્ષત્રિય સમાજ દ્વારા સંમેલન યોજીને રાજકીય પક્ષ પાસે ટિકિટ ની માંગ કરવામાં આવી હતી, પરંતુ ભાવનગરમાં ભાજપે એક પણ ટિકિટ ના ફાળવતા ક્ષત્રિય સમાજ નારાજ થયો છે.