ભાવનગરમાં પૂર્વ મહિલા કોર્પોરેટરને ચેક રિટર્ન કેસમાં થઈ ૧ વર્ષની કેદ

ભાવનગર, ભાવનગરમાં પૂર્વ મહિલા કોર્પોરેટર સામે ચેક રિટર્નના કેસમાં ૧ વર્ષની સજા તેમજ વળતર ચૂકવવાનો કોર્ટ તરફથી આદેશ કરવામાં આવ્યો છે. ૨૦૨૦ માં ભાજપનાં પૂર્વ મહિલા કોર્પોરેટર ઉષાબહેન તલરેજા સામે નરેશ રાજાઈએ ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હતી. નરેશ રાજાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉષાબહેન પિરછલ્લા વોર્ડનાં કોર્પોરેટર હતા. તે દરમ્યાન નરેશ રાજાએ ઉષાબેનને પૈસાની જરૂરીયાત હોઈ નરેશ રાજાએ ઉષાબેનને રૂા. ૧.૯૦ લાખ વગર વ્યાજે આપ્યા હતા.

મળતા અહેવાલો મુજબ ફરિયાદી નરેશ રાજાઈએ ઉષાબેન તલરેજા જ્યારે ભાવનગરમાં કોર્પોરેટર તરીકે કાર્યરત હતા ત્યારે ઉષાબેન તલરેજાએ તેમની પાસે ઉછીના રૂપિયા ૧.૯૦ લાખ માગ્યા હતા. જે ફરિયાદીએ તેમને વગર વ્યાજે આપ્યા હતા. થોડા સમય બાદ મહિલા કોર્પોરેટરે અલાહાબાદ બેંકનો રૂપિયા ૧.૯૦ લાખનો ચેક આપ્યો હતો. પરંતુ નરેશ રાજાઈએ જ્યારે આ ચેક બેંક ઑફ ઈન્ડિયામાં જમા કરાવવા ગયા ત્યારે ચેક રિટર્ન થયો હતો. માહિતી મુજબ આ ચેક વર્ષ ૨૦૨૦ના રોજ જમા કરવામાં આવ્યો હતો.

જોકે, ચેક રિટર્ન થતાં નરેશ રાજાઈએ વકીલ થકી એક નોટિસ મોકલવામાં આવી હતી. તેમ છતાં, મહિલા કોર્પોરેટર ચેકની પૂરી રકમ ચૂકવી ન શક્તાં ફરિયાદીએ ભાવનગર કોર્ટમાં ફરિયાદ દાખલ કરી હતી. તપાસ દરમિયાન કોર્પોરેટર સામે આરોપ સિદ્ધ થતાં ભાવનગર કોર્ટે ૧ વર્ષની સાદી કેદની સજા અને વળતર પેટે રૂપિયા ૩.૮૦ લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો.