ભાવનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી વાહન ચાલકો બેફામ બની વાહન ચલાવે છે અને અકસ્માતોને આમંત્રણ આપે છે અને રોંગ સાઇડમાં ચલાવતા વાહન ચાલકોને કાયદાનું ભાન કરાવવા માટે જિલ્લાના કલેક્ટર આર.કે. મહેતા સંવેદનશીલ બની અકસ્માતોને નિવારવા માટે આર.ટી.ઓ.ને ચેકીંગ ડ્રાઇવ યોજવા ખાસ સુચના અપાઇ છે જે અંતર્ગત ભાવનગર આર.ટી.ઓ. દ્વારા શહેર તેમજ જિલ્લામાં ચેકીંગ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં આશરે ૬૦ થી વધુ વાહન ચાલકોને મેમો ફટકારી દંડ ફટાકારાયો હતો તેમજ રોંગ સાઇડમાં વાહન ચલાવતા ૫૪ લોકોને નોટીસ આપી હતી
જેમાં રોંગ સાઇડમાં વાહન ચલાવતા ૪૩ વાહન ચાલકોના છ માસ માટે લાઇસન્સ સસ્પેન્ડ કરી દેવામાં આવતા વાહન ચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. જો કે, આ ચેકીંગ ડ્રાઇવ આગામી દિવસોમાં પણ ચાલુ રહેનાર હોવાનું એ.આર.ટી.ઓ. ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું. ઉપરાંત ટુ વ્હિલ વાહન ચાલકો ફરજિયાત હેલ્મેટ પહેરી જ વાહન ચલાવે તે અંગેનો લોક જાગ્રુતી સંદેશો આપવામાં આવ્યો હતો.
થોડા સમય અગાઉ પણ આરટીઓ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઈવ અકસ્માત સાથે સંકળાયેલા શખ્સો, ઓવર સ્પિડીંગ ચલાવતા વાહન ચાલકો સામે પણ તવાઈ બોલાવાઈ હતી અને લાઈસન્સ રદ કરવામાં આવ્યા હતા. જો કે છેલ્લા પાંચ દરમિયાન આરટીઓ દ્વારા ૨૦૨૦માં ૧૬, ૨૦૨૧માં ૭૪, ૨૦૨૨માં ૭૮, ૨૦૨૩માં ૬૫ અને ૨૦૨૪ના મે મહિના સુધીના ૨૫ એમ કુલ ૨૫૮ વાહનચાલકોના લાઈસન્સો સસ્પેન્ડ કરી આકરી કાર્યવાહી હાથ ધરી હતી.