ભાવનગરમાં કિશોરી સાથે દુષ્કર્મ કરનારને ૨૦ વર્ષની સજા ફટકારાઇ

ભાવનગર, ભાવનગરમાં દુષ્કર્મના આરોપીને ૨૦ વર્ષની સજા કરવામાં આવી છે. અઢી વર્ષ અગાઉ ઘોઘામાં બનેલા બનાવમાં ઘોઘા તાલુકાના પડવા ગામમાં એક શખ્સે નવ વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચર્યું હતું. આ અંગેના કેસમાં કોર્ટે છેવટે આરોપીને પોક્સો હેઠળ દોષિત ઠેરવી ૨૦ વર્ષની સખત કેદની સજા અને ૫૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આરોપી અજયસિંહ ગોહિલને કોર્ટે સજા ફટકારી છે. તેણે માસૂમ બાળા પર વિકૃત રીતે દુષ્કર્મ આચર્યું હતું. બાળકી સાથેના જાતીય દુર્વ્યવહાર સામે કોર્ટે આકરું વલણ અપનાવી દાખલો બેસાડ્યો છે, જેથી ભવિષ્યમાં બીજી કોઈ વ્યક્તિ આવું કૃત્ય કરતી અચકાય. ન્યાયાધીશે જણાવ્યું હતું કે આટલી નાની યુવતી સાથે તેને બળાત્કાર કરવાનો અને આટલો વિકૃત કૃત્ય કરવાનો આવેલો વિચાર આરોપીની મનોદશા બતાવે છે. આ આરોપી સમાજમાં હરતો ફરતો રહે તે સમાજ માટે અને સમાજમાં રહેતી બાળકીઓ માટે ઘણી ખતરનાક બાબત છે. તેથી તેને ફક્ત વર્તમાન ગુનાના સંદર્ભમાં જ નહીં તે ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય કરી ન શકે તેના માટે અને આવી વિકૃતિ ધરાવતા બીજા લોકો પણ આવું કૃત્ય કરતા ફફડે તેના માટે આવી સજા કરમાવી છે. એક બાળકીનું જીવન બગાડીને કોઈ વ્યક્તિ સમાજમાં કઈ રીતે ખુલ્લો હરતો ફરતો રહી શકે.