બેંગલુરુ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસના પ્રદેશ અધ્યક્ષ એચડી કુમારસ્વામીએ સેક્સ સ્કેન્ડલમાં ફરાર પોતાના ભત્રીજા અને સાંસદ પ્રજ્વલ રેવન્નાને ભારત પાછા ફરવાની અપીલ કરી છે. તેમણે પ્રજ્વલને ૪૮ કલાકની અંદર આત્મસમર્પણ કરીને તપાસમાં મદદ કરવાની સલાહ આપી છે.
સુત્રોના જણાવ્યા અનુસાર અનુસાર, કુમારસ્વામીએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું – તમારા (પ્રજ્વલ) દાદા એચડી દેવગૌડા (પૂર્વ પીએમ) તમને રાજકીય રીતે આગળ વધતા જોવા માંગતા હતા. જો તમને તેમના માટે કોઈ માન હોય તો તમે જે પણ દેશમાં હોવ ત્યાંથી પાછા આવો. કુમારસ્વામીએ કહ્યું- છુપાવવાની જરૂર નથી. કોઈ ડર ન હોવો જોઈએ. આ દેશનો કાયદો જીવંત છે. ક્યાં સુધી ચોર અને પોલીસનો ખેલ ચાલશે? લાખો લોકોએ વોટ આપ્યા છે.
જેડીએસ નેતાએ પ્રેસ કોન્ફરન્સમાં પીડિત મહિલાઓની માફી પણ માગી હતી. તેમણે કહ્યું- હું તે માતાઓ અને બહેનોની જાહેરમાં માફી માગું છું જેઓ પીડાદાયક માનસિક યાતનામાંથી પસાર થઈ રહી છે. આવી ઘટના અસ્વીકાર્ય છે. આનાથી અમારું માથું શરમથી ઝૂકી ગયું છે.
બીજી તરફ, પ્રજ્વલના પિતા અને ધારાસભ્ય એચડી રેવન્નાને કર્ણાટક મેજિસ્ટ્રેટ કોર્ટે સોમવારે યૌન ઉત્પીડનના કેસમાં જામીન આપ્યા હતા. અગાઉ અપહરણના કેસમાં તેમને ૧૪ મેના રોજ જામીન મળ્યા હતા.
કુમારસ્વામીએ રાજ્યની સિદ્ધારમૈયા સરકાર પર તેમના પરિવાર અને સમર્થકોના ફોન ટેપ કરવાનો પણ આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું- મારી આસપાસના ૪૦ લોકોના ફોન ટેપ કરવામાં આવી રહ્યા છે. ફોન પર જે પણ વાતચીત થાય છે તેના પર નજર રાખવામાં આવી રહી છે.
કુમારસ્વામીએ દાવો કર્યો હતો કે એચડી રેવન્નાનો ફોન પણ ટેપ કરવામાં આવી રહ્યો છે. જોકે, નાયબ મુખ્ય મંત્રી ડીકે શિવકુમાર અને ગૃહ મંત્રી ડૉ. જી પરમેશ્ર્વરાએ ફોન ટેપિંગના આરોપોને નકારી કાઢ્યા હતા અને તેને પબ્લિક સ્ટંટ ગણાવ્યો હતો.