ભરૂચમાં બેન્ડના અવાજથી ભેંસ ભડકતાં જૂથ અથડામણ:તવરા ગામમાં બાબરી પ્રસંગે ધમાલ, ભડકેલી ભેંસોએ ટાઈલ્સ તોડતા બે જૂથ બથમબથા, મારામારીમાં 14 ઘાયલ

ભરૂચ તાલુકાના તવરા ગામમાં બાબરી પ્રસંગ દરમિયાન થયેલી મારામારીએ ચકચાર મચાવી છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. પોલીસે બંને પક્ષની ફરિયાદના આધારે 30થી વધુ લોકો સામે ગુનો નોંધ્યો છે.

ઘટના મુજબ, નવા તવરા ગામની નવી વસાહતમાં રહેતા સંજય સુનિલ વસાવાના પુત્રની બાબરીનો પ્રસંગ હતો. વરઘોડામાં વાગતા બેન્ડના અવાજથી ભેંસો ભડકી હતી. ભડકેલી ભેંસો દોડવા લાગી હતી જેના કારણે અશોક પટેલના ઘરની બહાર લગાવેલી ટાઈલ્સ તૂટી ગઈ હતી.

બેન્ડવાળાના સમર્થનમાં ટોળું આવ્યું આ મુદ્દે અશોક પટેલે બેન્ડવાળા સાથે બોલાચાલી કરી અને અપશબ્દો બોલ્યા હતા. પરિસ્થિતિ વણસતા અશોકના સમર્થનમાં 16 જેટલા લોકો આવી ગયા હતા અને હુમલો કર્યો હતા. આ ઘટનામાં 6થી વધુ લોકોને ઈજાઓ થઈ હતી.

સામાપક્ષે મિતેશ ભીખા પટેલની ફરિયાદ મુજબ, જ્યારે માછી પટેલ સમાજના લોકો ઘટનાની તપાસ કરવા આવ્યા હતા, ત્યારે વસાવા સમાજનું ટોળું આવી પહોંચ્યું હતું. બંને જૂથો વચ્ચે થયેલી અથડામણમાં માછી પટેલ સમાજના કેટલાક લોકોને ઈજાઓ થઈ હતી. કુલ મળીને 14 લોકો ઘાયલ થયા છે.પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા બંને પક્ષની ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં સ્થાનિક પોલીસ તંત્ર સતર્ક બન્યું છે.