
ભરૂચ જિલ્લામાં ધુળેટીના તહેવાર નિમિત્તે અલગ-અલગ 5 સ્થળોએ 6 લોકો ડૂબ્યા હતા. જેમાં બાળક સહિત ત્રણના મૃતદેહ મળી આવ્યાં છે. જ્યારે અન્ય ત્રણની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આજે દિવસભર ફાયરની ટીમ દોડતી જોવા મળી હતી. પાંચ સ્થળોએ ડૂબી જવાની ઘટનાઓ નોંધાઈ ભરૂચ શહેર-જિલ્લામાં ધૂળેટી પર્વમાં નદીમાં કે નહેરમાં ન્હાવા માટે અનેક લોકો જતાં હોય છે. જે દરમિયાન ડૂબી જવાની સંભાવનાઓ રહે છે. ત્યારે આજે ધૂળેટીના દિવસે જિલ્લામાં અલગ-અલગ પાંચ સ્થળોએ ડૂબી જવાની ઘટનાઓ નોંધાઈ હોવાનું ભરૂચ નગરપાલિકાના ફાયર ઓફિસર ચિરાગ ગઢવીએ જણાવ્યું હતું.
આજે ધુળેટીનો તહેવાર હોય તમામ ફાયર સ્ટાફને ફરજ પર હાજર રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન આજે ભરૂચ જિલ્લાના સમની, દયાદરા, નંદેલાવ, મકતમપુર અને કળોદમાં ડૂબવાની ઘટનાઓ સામે આવી હતી. જેમાં નંદેલાલ, દયાદરા અને સમનીમાંથી એક બાળક સહિત ત્રણના મૃતદેહ મળી આવ્યાં છે. જ્યારે મકતમપુર અને કળોદમાં ડૂબી ગયેલા યુવકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

નંદેલાવ ગામની પાછળના મિલનનગર નજીક આવેલા તળાવમાં બે બાળકો ડૂબી જવાની ઘટના બની હતી. એક સાત વર્ષીય અને બીજો 11 વર્ષીય બાળક ગામનાં તળાવમાં ડૂબી ગયા હતા. જે ઘટનાની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનોને કરવામાં આવતા તેઓએ દોડી આવી તળાવમાં બાળકોની શોધખોળ આરંભી હતી. જેમાંથી સાત વર્ષીય બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. જોકે, અંધારું થઈ ગયું હોય બીજા બાળકની શોધખોળની કામગીરી બંધ રખાઈ હતી. આ ઘટનાની જાણ એ ડિવિઝન પોલીસમાં થતા પોલીસ પણ દોડી આવી હતી. બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.
સમની નજીક કેનાલમાં એક યુવક ડૂબી ગયો હતો. જે અંગેની માહિતી ભરૂચ ફાયર કંટ્રોલ રૂમમાં મળતા જ ફાયર બ્રિગેડની એક ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. તેમજ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. મરણજનારનું નામ પિન્ટુ શાહ હોવાનું જાણવા મળ્યું હતું. જે માટલા અને પ્લાસ્ટિકનો સામાન વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો.
ભરૂચ ઉપરાંત પાટણ જિલ્લામાં પણ ડૂબવાની ઘટના બની હતી. જેમાં રાધનપુરમાં 18 વર્ષીય યુવક કેનાલમાં ન્હાવા ગયો હતો. આ દરમિયાન તેનો પગ લપસી જતાં તે કેનાલમાં પડી ગયો હતો. જેથી તેનું મોત થયું છે. આ ઘટનાથી યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.