
સતત ત્રણ દિવસથી માનવ શરીરના ટુકડા મળવાની ઘટનાએ સમગ્ર ભરૂચ પંથકમાં હાહાકાર મચાવ્યો છે. શનિવારે ગટર લાઈનમાં એક શખ્સનું કપાયેલું માથું મળી આવ્યું હતું. જે બાદ રવિવારે કાળી થેલીમાં કમરથી ઘૂંટણ સુધીનો ભાગ અને સાંજે જમણો હાથ મળી આવ્યો હતો. જે બાદ આજે સોમવારના રોજ ડાબો હાથ મળી આવ્યો છે. ત્યારે આ વ્યક્તિની ક્રૂર હત્યા કોણે કરી છે તેને લઈ પોલીસ પર ગોથે ચડી છે. વિવિધ ટીમો બનાવીને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
માનવ શરીરના ટુકડા મળતા ચકચાર મચી ભરૂચની દૂધધારા ડેરી પાસેથી ભોલાવ GIDC તરફ જતી વરસાદી કાંસની ગટરમાં શનિવારે એક શખ્સનું ગળેથી કપાયેલું માથું શ્વાન ખેંચી લાવતાં ભારે ચકચાર મચી ગઈ હતી. મૃતકની ઓળખ મેળવવા પોલીસ હજુ પ્રયાસ કરી રહી હતી. ત્યાં જ રવિવારે તેનાથી 300 મીટર દૂર તે જ વરસાદી કાંસની ગટરમાંથી કમરથી ઘૂંટણ સુધીનો ભાગ ભેરલી એક પ્લાસ્ટિકની થેલી મળી આવી હતી. 24 કલાકની અંદર જ માનવઅંગોના બે કટકા મળી આવતા પોલીસ પર ચોંકી ગઈ હતી.

પોલીસે હજુ મૃતક વિશે વધુ તપાસ કરી રહી હતી ત્યાં રવિવારની સાંજના ભોલાવ GIDCની સામે આવેલા સેઝ 2ની ગટરમાંથી મૃતકનો જમણો હાથ મળી આવ્યો હતો. જે બાદ આજે સોમવારની સવારે પણ ત્યાંથી જ કાળી થેલીમાં મૃતકના ડાબા હાથનો ભાગ મળી આવ્યો હતો. જેના કારણે પ્રાથમિક દ્દષ્ટિએ માલૂમ પડે છે કે, કોઈએ આ વ્યક્તિની ક્રૂરતાપૂર્વક હત્યા કરી પોલીસને ગુમરાહ કરવા તેના શરીરનાં અંગો કાપી અલગ-અલગ સ્થળે નાખ્યા હોવાનું લાગી રહ્યું છે.

પોલીસે આખી ગટરમાં શોધખોળ શરૂ કરી છે. ઉપરાંત મૃતક કોણ છે, ક્યાંનો છે? તેની ઘાતકી રીતે હત્યા કરી તેના અંગોના ટુકડાઓ કરીને અલગ-અલગ સ્થળે ફેંકનાર હત્યારો કોણ છે? આવા તમામ સવાલોના જવાબો મેળવવા માટે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ મામલે ભરૂચ શહેર DYSP સી.કે. પટેલે જણાવ્યું હતું કે, ભોલાવ GIDCમાં શનિવારે સાંજના ખુલ્લી ગટરમાં એક શખ્સના માથાનો ભાગ મળી આવ્યો હતો. આ વ્યક્તિનું મોત કઈ રીતે થયું છે તે માટે પેનલ ડોક્ટર પાસે પીએમ કરાવવામાં આવ્યું છે. મૃતકનો બીજાં અંગો શોધવા માટે અને મૃતક કોણ છે તે દિશામાં સી ડિવિઝન પીઆઈ વામન ભરવાડે તપાસ હાથ ધરી છે. પોલીસની અલગ અલગ ટીમો બનાવી તે વિસ્તારમાં લગાવેલા CCTVના ફૂટેજ ચકાસવા સાથે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં જિલ્લામાંથી ગુમ થયેલા વ્યક્તિઓની યાદી મંગાવી તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે.
આ મામલે ભરૂચના સામજિક કાર્યકર ધર્મેશ સોલંકી સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું કે, શનિવારના રોજ અમને એક શખ્સના માથાનો ભાગ ભોલાવ GIDCની ગટરમાંથી મળી આવ્યો હતો. જોકે, મારી ટીમે તે જ ગટરમાં શોધખોળ આગળ વધારતા તેનાથી 300 મીટર દૂરથી અમને મૃતકના કમરથી લઈને ઘૂંટણ સુધીનો ભાગ મળી આવ્યો હતો. ભોલાવ સેઝ 1માંથી મૃતકનો જમણા હાથનો ભાગ પણ મળી આવ્યો હતો. જ્યારે સોમવારે સવારે ડાબા હાથનો ભાગ તે જ ગટરમાંથી મળ્યો છે. હજુ મૃતકની છાતી અને પગના અવયવોની શોધખોળ ચાલુ છે.