ભરૂચમાં વાહન ચેકીંગ દરમિયાન રૂપિયા ૫૦૦ જેવી દેખાતી નકલી ચલણની ૫૦૦૦ નોટ ઝડપાઈ

  • બે લોકોની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરાઈ

ક્રાઇમ બ્રાન્ચે હિસ્ટ્રીશીટરને રૂપિયા ૫૦૦ જેવી દેખાતી ૫૦૦૦ નકલી નોટ સાથે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપીની પોલીસે પૂછપરછ શરૂ કરી ક્યાં કાવતરાના ભાગરૂપે આ નકલી પૈસાના બંડલ રાખવામાં આવ્યા હતા તે અંગે પૂછપરછ શરૂ કરી છે. બનાવ સંદર્ભે અંક્લેશ્ર્વર શહેર “બી” ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે.

અંકલેશ્ર્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવેલા આ બે શખ્શોએ પોલીસને મૂંઝવણમાં મૂકી છે. ૬૫ વર્ષીય નઝીરભાઇ હુસેનભાઇ મલેક અને ૬૧ વર્ષીય ધનસુખભાઇ ચીમનલાલ વૈધ અંકલેશ્ર્વર નજીકથી કારમાં પસાર થતા શંકાસ્પદ હાલતમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સબ ઇન્સ્પેકટર એમ એમ રાઠોડની ટીમને મળી આવ્યા હતા. બંને જે કારમાં જતા હતા તે કારને અટકાવી તલાસી લેવામાં આવતા કારમાંથી રૂપિયા ૫૦૦ જેવી દેખાતી નકલી ચલણના ૫૦ બંડલમાં ૫૦૦૦ નોટ મળી આવી હતી જેની ઉપર ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલું હતું. આટલી મોટી સંખ્યામાં ચલણ જેવી દેખાતી નકલી નોટના બંડલોએ પોલીસને મૂંઝવણમાં મૂકી હતી. કારમાં સવાર બંને લોકો વિશે ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવતા હિસ્ટ્રીશીટર ગુનેગાર હોવાનું પ્રકાશમાં આવ્યું હતું. આ મામલો કોઈ સામાન્ય બાબત નહીં પણ ગુનાહિત કાવતરાનો ભાગ હોવાની પોલીસને પ્રબળ શંકા થઇ હતી. બંનેની અટકાયત કરી પૂછપરછ શરૂ કરાઈ છે.

પોલીસ મહાનિરીક્ષક સંદિપ સિંહ તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાએ ભરૂચ જીલ્લામાં બનતા મિલક્ત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ અટકાવવા તેમજ વણ શોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા સુચના આપી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ ઉપરી અધિકારીઓની સુચનાઓ મુજબ મિલક્ત સંબંધી તથા વાહન ચોરીના ગુનાઓ શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાંચની અલગ અલગ ટીમો બનાવી સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. સબ ઇન્સ્પેકટર એમ.એમ.રાઠોડની ટીમને નેશનલ હાઇવે નંબર ૪૮ ઉપર વાહન ચેકીંગમા દરમિયાન કાર નંબર એચઆર ૨૬ બીએસ૯૫૫૫ માં શંકાસ્પદ લોકો હોવાની માહિતી મળી હતી.

આ કાર આવતા તેને ઉભી રાખી ગાડીના આર.ટી.ઓના લગતા કાગળો માંગતા ચાલકે ગાડીના કાગળો રજુ કરેલ નહિ જેથી શંકાસ્પદ લાગતા ગાડીમાં ચેક કરતા ગાડીમાંથી ભારતીય ચલણી નોટો જેવી ચિલ્ડ્રન બેક્ધ ઓફ ઇન્ડીયાની નોટોના બંડલ મળી આવ્યા હતા. શંકાસ્પદ જણાતા બન્ને ઇસમોને કાર સાથે અંક્લેશ્ર્વર એલ.સી.બી. ઓફીસ ખાતે લાવી મળી આવેલ નકલી નોટો બબાતે વધુ પુછપરછ કરતા તેઓએ કબુલાત કરેલ કે, તે અલગ અલગ જગ્યાએ ફરી અજાણ્યા લોકોને વિશ્ર્વાસમા લઇ અડધી કિંમતમાં ચલણી નોટના બંડલની લાલચ આપી તેમની પાસેના અસલ રૂપિયા લઇ તેમને બાળકોને રમવાની નોટો પધરાવી દઈ છેતરપીંડીના ગુના આચરવાની પેરવીમાં હોવાનું જણાવ્યું હતું. બને અગાઉ છેતરપીંડીના આશરે પાંચથી છ ગુનામાં પકડાયેલ હોવાની હકીક્ત જણાવતા પોલીસ એલર્ટ બની હતી. બંને સામે વિવિધ કલમ મુજબ કાયદેસર કાર્યવાહી કરી અંક્લેશ્ર્વર શહેર “બી” ડીવીઝન પો.સ્ટે. ખાતે સોપવામાં આવેલ છે.

ધરપકડ કરાયેલ આરોપીઓમાં નઝીરભાઇ હુસેનભાઇ મલેક ઉ.વ. ૬૫ રહે, મ.નં. ૨૩, ગ્રીન પાર્ક સોસાયટી, ૧૦૦ ફુટ રોડ આણંદ,ધનસુખભાઇ ચીમનલાલ વૈધ ઉ.વ. ૬૧ રહે, એ/૪૦૪, શ્રવણગ્રીન એપાર્ટમેન્ટ રીધમ હોસ્પિટલ પાછળ સમા સાવલી રોડ વડોદરા સામેલ છે