ભરૂચ, આમ આદમી પાર્ટીના ડેડીયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોક્સભાના ઉમેદવાર ચૈતર વસાવાએ સ્વાભિમાન યાત્રા દરમિયાન કરેલા ભાષણમાં ભાજપના હાલના ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાને સલાહ આપી દીધી છે. આપના ચૈતર વસાવાએ એવો પણ કટાક્ષ કર્યો કે તેમની તબિયત સારી રહેતી નથી એટલે હવે તેમને નિવૃત્ત કરવાના છે. આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચથી ચૈતર વસાવાને આપના ઉમેદવાર બનાવ્યા બાદ તેઓ લોકોનું સમર્થન મેળવવા માટે સભા, યાત્રા અને લોકોને મળવાનું કામ કરી રહ્યા છે. સ્વાભિમાન યાત્રા દરમિયાન ચૈતરે એવું પણ કહી દીધું કે હવે પરિવર્તનની જરુર છે.
આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પૂરજોશમાં પ્રચાર-પ્રસાર શરુ કરી દીધો છે. તેમણે પોતાના ભાષણ દરમિયાન કહ્યું કે, “હવે અમને તક મળવી જોઈએ, દાદા (મનસુખ વસાવા)ને આપણે આ વખતે આરામ આપીએ, ઘણીવાર તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોય છે, તેમની અનેક ફરિયાદ હોય છે. તેમણે રાજીનામું આપ્યું હતું છતાં તેમને મૂક્યા છે ત્યારે આપણે તેમની નિવૃત્તિ કરવાની છે.. રિટાયર્ડ કરવાના છે.” ભાષણ બાદ પણ ચૈતરે પત્રકારો સાથે વાત કરીને વિશ્ર્વાસ વ્યક્ત કર્યો કે, “હું ભરૂચનો ઉમેદવાર છું અને મને ભરૂચના લોકો પર સંપૂર્ણ વિશ્ર્વાસ છે કે લોક્સભામાં લોકોના આશીર્વાદ અને દુવાઓ મળશે. આ વખતે અમે સારા માજનથી જીતીશું તેવી અમને આશા પણ છે.”
ચેતર વસાવાએ પોતાનું નામ ભરૂચ લોક્સભા બેઠક માટે જાહેર થયું તે સમયને યાદ કરીને ખુશી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, હું જેલમાં હતો ત્યારે જ મારું નામ અરવિંદ કેજરીવાલે ભરૂચ બેઠક માટે જાહેર કર્યું હતું. આ સાથે ચૈતર વસાવાએ કહ્યું કે, હવે પરિવર્તનની જરુર છે.