ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં 36 વર્ષીય નારાધમે 10 વર્ષીય બાળકીને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું

ભરૂચ જિલ્લાના ઝઘડિયા GIDCમાં 10 વર્ષીય બાળકી સાથે અપહરણ અને દુષ્કર્મની ઘટના બની હતી. જેમાં તેની બાજુમાં જ રહેતા 36 વર્ષીય હવસખોરે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. હાલમાં પોલીસે આરોપીને દબોચી અપહરણ, પોકસો અને દુષ્કર્મ સહિતની કલમો નોંધી તપાસ હાથ ધરી છે.

નારાધમે 10 વર્ષીય બાળકીને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું : ઝઘડિયા GIDC વિસ્તારમાં મજૂરી કામ કરી પોતાનું જીવન નિર્વાહ ચલાવતા પરિવાર પર જાણે આભ ફાટયું હોય તેવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોતાના મકાન નજીક રમી રહેલી માસૂમ 10 વર્ષીય બાળકીને તેની જ બાજુમાં રહેતો 36 વર્ષીય શખ્સ અપહરણ કરીને મકાનની પાછળ આવેલી ઊંચી દીવાલ પાર ઊંચકી ઝાડીઓમાં લઇ ગયો હતો. ત્યાં આ નારાધમે 10 વર્ષીય બાળકીને માર મારીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ નરાધમની વિકૃતતા એટલી હદ વટાવી ગઈ હતી કે બાળકીના ગુપ્તાંગમાં ગંભીર ઇજાઓ પહોંચતાં માસૂમ દર્દને કારણે કણસી રહી હતી તેમ છતાંય હવસખોરે દયા વગર પોતાની હવસ સંતોષી બાળકીને લોહીલુહાણ હાલતમાં મૂકીને ભાગી ગયો હતો.

આ બાળકીને એટલી ગંભીર ઇજાઓ પહોંચી હતી કે તેનાથી ઉભું પણ થવાતું ન હતું. જેથી તે ત્યાંથી ઢસડાતી ઢસડાતી તેના મકાન પાસેની દીવાલ સુધી પહોંચીને પોતાની માતાને બુમો પાડવા લાગી હતી. આ સમયે ત્યાં વાસણ માજી રહેલી તેની માતાએ પોતાની પુત્રીનો અવાજ સાંભળતાં જ ઉપર ચઢીને જોતા જ ચોકી ઉઠી હતી. માતાએ તાત્કાલિક બાજુમાં રહેતાં અન્ય લોકોને બોલાવી તાત્કાલિક તેને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લઈને પહોંચી હતી. જ્યાં હાજર તબીબો બાળકીની હાલત જોઈ તેની સારવાર કરતા તેઓના પણ હાથ કાપવા લાગ્યા હતા. જોકે બાળકીને વધુ સારવારની જરૂર પડતાં તેને વધુ સારવાર માટે વડોદરાની SSG હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ બાજુ ઘટનાની જાણ થતાં અંકલેશ્વર DYSP ડો.કુશલ ઓઝા સહિતના પોલીસકર્મીઓએ હોસ્પિટલમાં દોડી આવી બાળકીની માતાની ફરિયાદના આધારે અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. આ સમય દરમિયાન પોલીસે માહિતીના આધારે તેની બાજુમાં રહેતા હવસખોરને ઝડપી પાડ્યો હતો. જેની કડક પૂછપરછ કરતા તે ભાગી પડ્યો હતો અને પોતાના ગુનાની કબૂલાત કરી હતી. જેથી ઝઘડિયા પોલીસે તેની સામે અપહરણ, પોક્સો અને દુષ્કર્મ સહિતનો કલમો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

DYSP આ અંગે DYSP ડો.કુશલ ઓઝાએ જણાવ્યું હતું કે હાલ બાળકીની તબિયત સ્થિર છે. પોલીસની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી લીધો હતો. આરોપી ઝારખંડનો છે અને બાળકીની બાજુમાં રહે છે અને મજૂરી કરીને ગુજરાન ચલાવતો હતો. હાલ આરોપીના રિમાન્ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.