ભરૂચ: ઝઘડિયા તાલુકામાં રાજપારડી ગામની ડીપી શાહ શાળામાં વઘુ એક વિદ્યાર્થીની તબિયત લથડી હતી. શાળામાં વિદ્યાર્થીઓને ગભરામણ અને ચક્કર આવવાની ફરિયાદ બાદ વધુ એક વિદ્યાર્થીની તબિયત લથડી હતી. તેથી વિદ્યાર્થીનીને ભરુચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જ્યાં તમામના બ્લડ રિપોર્ટ અને એક્સરે પણ કઢાવવામાં આવ્યા છે. એકાએક વિદ્યાર્થીઓની તબિયત લથડતાં ભરુચ જિલ્લાનું શિક્ષણ, આરોગ્ય અને વહિવટી તંત્ર દોડતું થયું છે.
ઝઘડિયા તાલુકામાં શાળાની વિદ્યાર્થીનીઓને ગભરામણ અને ચક્કર આવવાની સમસ્યા ઉપસ્થિત થયા બાદ બીજા દિવસે પણ અન્ય શાળામાં વધુ એક વિદ્યાર્થીનીની તબિયત લથડતા તંત્ર દોડતું થયું હતું અને તમામને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તમામના બ્લડ રિપોર્ટ અને એક્સરે પણ કઢાવવામાં આવ્યા છે.
ઝઘડીયા તાલુકાના રાજપારડી ગામની ડીપી શાહ હાઈસ્કૂલ ખાતે 14 જેટલી વિદ્યાર્થીનીઓને અચાનક ચક્કર આવવા અને ગભરામણની પરિસ્થિતિ સર્જાતા તેમને સારવાર અર્થે તાત્કાલિક ખસેડવામાં આવી હતી. પ્રાથમિક સારવાર આપ્યા બાદ અવિધા ગામની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જ્યાં વધુ સારવારની જરૂરીયાત જણાતી હોવાથી વાલીઓ દ્વારા તેમને વધુ સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ તથા અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે વાલીઓ દ્વારા ખસેડવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ રાજપારડીની હાઈસ્કુલ ખાતે ફોરેન્સિકની ટીમ પણ તપાસ અર્થે પહોંચી હતી અને અચાનક આટલી વિદ્યાર્થીનીઓને કેમ ગભરામણ તેમજ ચક્કર આવવાની ઘટના બની તેની તપાસ કરાવી હોવાનું શાળાના આચાર્ય પારૂલ પટેલે જણાવ્યું હતું.
આ વિદ્યાર્થિનીઓનું ઓક્સિજન લેવલ ડાઉન જોવા મળતા તમામને વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને તમામને ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવી હતી. તેઓના વિવિધ મેડિકલ રિપોર્ટ પણ કઢાવવામાં આવ્યા છે અને બેથી ત્રણ વિદ્યાર્થીઓને સિકલસેલની બિમારી હોવાનું સામે આવ્યું હોવાનું સિવિલ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડૉ. ઝાહિદા ખાને જણાવ્યું હતું.
હાલ તો ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ બાળાઓની તબિયત સુધારા પર છે અને તબીબો દ્વારા તમામ બાળાઓના બ્લડ રિપોર્ટ કઢાવ્યા છે. ત્યારે આ બાળાઓમાં હિમોગ્લોબીનની ઉણપના કારણે તેઓ સિકલસેલનો ભોગ બન્યા હોય અને તેમને જોઈ અન્ય બાળાઓને ગભરાટમાં ચક્કર આવ્યા હોય તેમ લાગી રહ્યું છે.