ભારતીય વાયુસેના ૩ મોટા સૈન્ય અભ્યાસ દ્વારા શક્તિ પ્રદર્શન કરશે

નવીદિલ્હી, ભારતીય વાયુસેના ભવિષ્યના પડકારોને પહોંચી વળવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. એટલા માટે જ વાયુસેના આ વર્ષે ત્રણ મોટાં સૈભ્ય અભ્યાસનું આયોજન કરવા જઈ રહી છે.સંરક્ષણ અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ત્રણ સૈન્ય અભ્યાસમાંથી પ્રથમ અભ્યાસ વાયુશક્તિ-૨૦૨૪નું આયોજન જેસલમેરમાં કરાશે. દરમિયાન રાફેલ, સુખોઈ-૩૦ એમકેઆઈ, તેજસ, મિરાજ ૨૦૦૦ અને મિગ-૨૯ સહિત તમામ ઘાતક ફાઈટર એરક્રાટ તેમની તાકાત બતાવશે.

ઉલ્લેખનીય છે કે આ અભ્યાસ ૧૭ ફેબ્રુઆરીએ આયોજિત થશે. ત્યારબાદ વાયુસેના દ્વારા ચાલુ વર્ષે એપ્રિલમાં ગગનશક્તિ અભ્યાસનું આયોજન કરાશે. જે દરમિયાન લદ્દાખથી હિંદ મહાસાગર અને ભુજથી અરુણાચલ પ્રદેશ સુધી શક્તિ પ્રદર્શન કરાશે. આ અભ્યાસ વખતે લાંબા અંતરની હવાઈ સુરક્ષા પ્રણાલી જી-૪૦૦ અથવા સુદર્શનને પશ્ર્ચિમ અને ઉત્તર એમ બંને મોરચે તહેનાત કરવામાં આવે તેવી અપેક્ષા છે.

ચાલુ વર્ષે જ ઓગસ્ટની આસપાસ જોધપુરમાં પ્રથમ મલ્ટીનેશનલ સૈન્ય અભ્યાસ તરંગ શક્તિ-૨૦૨૪નું આયોજન કરવામાં આવશે. જેમાં જર્મની, ફ્રાન્સ, ઈટાલી, અમેરિકા અને અન્ય મોટા મિત્ર દેશોની સેનાઓ ભાગ લઈ શકે છે. આ કવાયત આ વર્ષની વાયુસેનાની ત્રીજી મોટી કવાયત હશે.