- આઈટી શેરોના કારણે માર્કેટમાં જબરદસ્ત ગ્રોથ જોવા મળી રહ્યો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ ૧૪૮ પોઈન્ટના ઉછાળા સાથે બંધ રહ્યો હતો.
મુંબઇ, ૯ જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સ્ટોક માર્કેટ બંધ: ભારતીય શેરબજાર માટે મંગળવારનું ટ્રેડિંગ સત્ર ખૂબ મિશ્ર રહ્યું. સવારથી બપોર સુધી બજારમાં જોરદાર કારોબાર ચાલુ રહ્યો હતો. પરંતુ ટ્રેડિંગના છેલ્લા કલાકમાં પ્રોફિટ બુકિંગ ઉપલા સ્તરેથી બજારમાં પરત ફર્યું હતું. અને બજાર બંધ થવાના સમયે સેન્સેક્સ ૩૧ પોઈન્ટના મામૂલી ઉછાળા સાથે ૭૧,૩૮૬ પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ૩૨ પોઈન્ટના ઉછાળા સાથે ૨૧,૫૪૪ પોઈન્ટ પર બંધ થયો હતો. દિવસના ટ્રેડિંગ દરમિયાન એક સમયે સેન્સેક્સ ૬૮૦ પોઈન્ટના વધારા સાથે અને નિફ્ટી લગભગ ૨૦૦ પોઈન્ટના વધારા સાથે ટ્રેડ કરી રહ્યો હતો.
આજના કારોબારમાં ઓટો, આઈટી, ફાર્મા, મેટલ્સ, રિયલ એસ્ટેટ, ઈન્ફ્રા, કોમોડિટી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેરો ઉછાળા સાથે બંધ થયા છે. જ્યારે બેન્કિંગ , મીડિયા, એફએમસીજી અને ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરના શેરમાં ઘટાડો નોંધાયો હતો. આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં ખરીદારી જોવા મળી હતી. સેન્સેક્સના ૩૦ શેરોમાંથી ૧૫ વધ્યા અને ૧૫ નુક્સાન સાથે બંધ થયા. નિફ્ટી ના ૫૦ શેરોમાંથી ૨૭ શેરો ઉછાળા સાથે અને ૨૩ નુક્સાન સાથે બંધ થયા હતા.
બજાર દિવસના ઊંચા સ્તરેથી સરકી જવા છતાં રોકાણકારોએ નફો કર્યો છે. બીએસઇ પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. ૧ લાખ કરોડ વધીને રૂ. ૩૬૭.૫૧ લાખ કરોડે પહોંચ્યું છે. જ્યારે છેલ્લા સત્રમાં માર્કેટ કેપ રૂ. ૩૬૬.૫૧ લાખ કરોડ હતું. આજના વેપારમાં માર્કેટ મૂડીમાં રૂ. ૧ લાખ કરોડનો વધારો થયો છે.
આજના કારોબારમાં લાર્સન ૧.૫૫ ટકા, ભારતી એરટેલ ૧.૫૦ ટકા, ટાટા મોટર્સ ૧.૩૨ ટકા, સન ફાર્મા ૧.૨૫ ટકા, ટાટા સ્ટીલ ૧.૨૧ ટકા, એનટીપીસી ૧.૧૧ ટકા, ટેક મહિન્દ્રા ૦.૯૭ ટકાના વધારા સાથે બંધ થયા હતા. જ્યારે નેસ્લે ૧.૦૩ ટકા, એશિયન પેઇન્ટ્સ ૦.૯૦ ટકા, બજાજ ફિનસર્વ ૦.૮૮ ટકા, એચડીએફસી બેન્ક ૦.૮૦ ટકા, એક્સિસ બેન્ક ૦.૫૭ ટકા, ટાઇટન ૦.૩૭ ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.