- ૨ લોકોની ધરપકડ, જવાનોના પરિવારની સુરક્ષા અમારી જવાબદારી : સેના
ચેન્નાઈ, ભારતીય સેનાના જવાનની પત્નીની છેડતી અને મારપીટ કરવા બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મુદ્દો એક દિવસ પહેલા સામે આવ્યો હતો. જ્યારે જવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.આ વીડિયો રિટાયર્ડ ઓફિસર લેફ્ટનન્ટ કર્નલ એન થિયાગરાજને પોસ્ટ કર્યો હતો. જેમાં જવાન તેની પત્ની સાથે મારપીટ કરવામાં આવી હોવાની વાત જણાવી રહ્યો છે અને પોલીસને મદદ માટે આજીજી કરી રહ્યો છે. પીડિત જવાનનું નામ હવાલદાર પ્રભાકરન છે, જે તમિલનાડુના પડવેડુ ગામનો રહેવાસી છે અને હાલમાં કાશ્મીરમાં તૈનાત છે.
વીડિયોમાં આર્મી મેને કહ્યું કે, મારી પત્ની તમિલનાડુના એક ગામમાં લીઝ પર દુકાન ચલાવે છે. પરંતુ કેટલાક લોકો તેને લાંબા સમયથી પરેશાન કરી રહ્યા છે. બદમાશોએ દુકાનની બહાર સામાન ફેંકી દીધો હતો.તેઓએ મારા પરિવાર પર છરી વડે હુમલો કર્યો અને ધમકી આપી. મારી પત્નીને અર્ધનગ્ન કરીને નિર્દયતાથી માર મારવામાં આવ્યો હતો. મેં એસપીને અરજી મોકલી છે અને તેમણે કાર્યવાહીનું આશ્ર્વાસન આપ્યું છે. ડીજીપી સાહેબ મદદ કરો.જવાનની પત્ની હાલ હોસ્પિટલમાં દાખલ છે. આ કેસમાં પોલીસે બે લોકોની ધરપકડ કરી હતી. તિરુવન્નામલાઈ એસપીએ કહ્યું, રેણુગમ્બલ મંદિરની જમીન પર લીઝ પર આપેલી દુકાનને લઈને વિવાદ છે. કીર્તિ નામની મહિલા પર જરા પણ હુમલો થયો ન હતો.
ગઈકાલે ઘટના સમયે કીર્તિ અને તેની માતા ઘટના સ્થળે હતા. આ મુદ્દાને વધારી-ચઢાવીને રજુ કરવામાં આવી રહ્યો છે. હાલ તપાસ ચાલી રહી છે. બે આરોપી રામુ અને હરિ પ્રસાદની ધરપકડ કરવામાં આવી છે.પોલીસ કાર્યવાહી વચ્ચે, ભારતીય સેનાએ તેના જવાનો અને તેમના પરિવારોને સંપૂર્ણ સુરક્ષાની ખાતરી આપી. એક ટ્વિટમાં, સેનાએ કહ્યું, ભારતીય સેના ક્ષેત્રીય વિસ્તારોમાં પોસ્ટ કરાયેલા જવાનોના પરિવારોની સુરક્ષાને પ્રાથમિક્તા આપે છે.હાલના કિસ્સામાં, સ્થાનિક લશ્કરી સત્તાવાળાઓ પરિવારના સંપર્કમાં છે અને સૈનિકના પરિવારની સલામતી સુનિશ્ર્ચિત કરવા સ્થાનિક પોલીસ અને નાગરિક વહીવટીતંત્ર સાથે વાત કરી છે.