ભારતીય રૂપિયાનો ઉપયોગ યુએસ ડોલર જેવો હોવો જોઈએ : શ્રીલંકાના રાષ્ટ્રપતિ

કોલંબો, શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું કે તેઓ ઇચ્છે છે કે ભારતીય રૂપિયાનો ઉપયોગ અમેરિકી ડૉલરની સમકક્ષ થાય. વિક્રમસિંઘે આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ પણ છે. તેમનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેઓ થોડા દિવસો પછી ભારતની પ્રથમ સત્તાવાર મુલાકાતે આવવાના છે. પ્રમુખ સિંઘેએ ભારતીય સીઈઓ ફોરમને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.

જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ સિંઘે આવતા અઠવાડિયે ભારતની સત્તાવાર મુલાકાતે આવવાના છે. રાષ્ટ્રપતિ બન્યા બાદ આ તેમની પ્રથમ નવી દિલ્હી મુલાકાત હશે. સીઈઓ ફોરમના પ્રમુખ ટી એસ પ્રકાશે પોતાના સંબોધનમાં કહ્યું કે શ્રીલંકાની અર્થવ્યવસ્થામાં ભારતીય રૂપિયાનો ઉપયોગ વધવો જોઈએ, જેના જવાબમાં તેમણે કહ્યું કે જો ભારતીય રૂપિયો સામાન્ય ચલણ બની જાય તો અમને કોઈ સમસ્યા નથી. આ કેવી રીતે કરી શકાય તે આપણે શોધવું જોઈએ. આપણે બહારની દુનિયા માટે વધુ ખુલ્લા હોવા જોઈએ.

રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ જણાવ્યું હતું કે વિશ્ર્વ બદલાઈ રહ્યું છે અને ભારત ઝડપથી વિકાસ કરી રહ્યું છે, ખાસ કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં. તે જાણીતું છે કે વિક્રમસિંઘે દેશને આર્થિક સંકટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમણે કહ્યું કે અર્થવ્યવસ્થા ધીમે ધીમે પાટા પર આવી રહી છે. આ કાર્યક્રમ ૧૩ જુલાઈના રોજ યોજાયો હતો, જેમાં હાજર રહેલા ભારતીય હાઈ કમિશનર ગોપાલ બાગલેએ જણાવ્યું હતું કે ભારત સરકાર અને ભારતીય વેપારી સમુદાયે શ્રીલંકાને પાછલા વર્ષના આર્થિક સંકટમાંથી બહાર કાઢવામાં મદદ કરી હતી.