ભારતીય નૌસેનાના આઠ પૂર્વ અધિકારીઓની કિસ્મતનો ફેંસલો હવે ક્તારના અમીરના હાથમાં

દોહા, ક્તારની કંપનીમાં કામ કરતા ભારતીય નૌ સેનાના આઠ પૂર્વ અધિકારીઓને જાસૂસીના મામલામાં ક્તારની કોર્ટે ફાંસીની સજા આપી છે. આ ચુકાદા બાદ ભારત સરકારની ઉઁઘ હરામ થઈ ગઈ છે. ફાંસીની સજા માફ કરાવવાના વિકલ્પો પર ભારત વિચારણા કરી રહ્યુ છે અને તેમાં ક્તારના અમીરની માફીના વિકલ્પનો પણ સમાવેશ થાય છે.

ભારત સરકાર દ્વારા આ નૌ સૈનિકોને છોડાવવા માટે રાજદ્વારી પ્રયાસો પણ થઈ રહ્યા છે. યોગાનુયોગ ફાંસી આપવાના મામલામાં ક્તારનો કોઈ વ્યાપક રેકોર્ડ નથી. છેલ્લે ક્તારે ૨૦૨૦માં નેપાળના એક નાગરિકને ફાંસી આપી હતી અને આ પહેલા ૨૦ વર્ષ સુધી ક્તારે કોઈને ફાંસી આપી નહોતી.

ભારતીય નેવીના પૂર્વ અધિકારીઓના પરિવારોને ભારત સરકારના વિદેશ મંત્રી જયશંકરે આશ્ર્વાસન આપીને કહ્યુ છે કે, આ અધિકારીઓને છોડાવવા માટે ભારત સરકાર કોઈ ક્સર બાકી નહીં રાખે.

ભારતના સંરક્ષણ વિશેષજ્ઞ બ્રહ્મ ચેલાનીના કહેવા અનુસાર ભારત સરકાર પૂર્વ અધિકારીઓને જામીન અપાવવામાં નિષ્ફળ રહી છે. હવે અધિકારીઓ પાસે અપીલ કોર્ટમાં જવાનો અને ત્યાં પણ સજા યથાવત રહે તો સુપ્રીમ કોર્ટ પાસે જવાનો વિકલ્પ રહ્યો છે. જોકે આ મામલામાં જે પ્રકારના આરોપો મુકવામાં આવ્યા છે તે જોતા તો આઠ અધિકારીઓની કિસ્મત હવે ક્તારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીના હાથમાં છે. તેમની પાસે કોઈ પણ કેદીની સજા માફ કરવાનો કે ઓછી કરવાનો અધિકાર છે.ક્તારના અમીર દર વર્ષે રમઝાન વખતે અને ક્તારના ૧૮ ડિસેમ્બરે ઉજવાતા રાષ્ટ્રીય દિવસ નિમિત્તે ઘણા કેદીઓની સજા માફ કરતા હોય છે.