ભારતીય મૂળની નિક્કી હેલીને તેમના ગૃહ રાજ્યમાં પણ સમર્થન મળી રહ્યું નથી

વોશિગ્ટન, ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૦૨૪ની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટીની ઉમેદવારી માટે ભારતીય મૂળની અમેરિકન નેતા નિક્કી હેલીને તેમના ગૃહ રાજ્ય દક્ષિણ કેરોલિનામાં ૩૦ ટકાથી વધુ પોઈન્ટ્સથી આગળ કરી રહ્યા છે.

રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારોમાં આગળ ચાલી રહેલા ૭૭ વર્ષીય પૂર્વ રાષ્ટ્રપતિને સાઉથ કેરોલિનામાં ૫૩ ટકા લોકોનું સમર્થન છે, જ્યારે માત્ર ૨૨ ટકા લોકો સાઉથ કેરોલિનાના ભૂતપૂર્વ ગવર્નર હેલીને સમર્થન આપી રહ્યા છે. તે જ સમયે, ભારતીય મૂળના ૩૮ વર્ષીય અમેરિકન વિવેક રામાસ્વામી દક્ષિણ કેરોલિનાના સીએનએન સર્વેમાં ઘણા પાછળ છે.

સાઉથ કેરોલિનામાં ટ્રમ્પનો આધાર તેમના હરીફોના સમર્થકો કરતાં ઘણો મજબૂત છે. તેમના વર્તમાન સમર્થકોમાંથી ૮૨ ટકાનું કહેવું છે કે તેઓ ચોક્કસપણે તેમનું સમર્થન કરશે. વધુમાં, ૫૧-વર્ષીય હેલીના સમર્થકોમાંથી માત્ર ૪૨ ટકા અને ડીસેન્ટિસના ૩૮ ટકા સમર્થકો કહે છે કે તેઓને ખાતરી છે કે તે પોતાનો વિચાર બદલશે નહીં.

રીઅલક્લિયર પોલિટિક્સ અનુસાર, જે તમામ મોટા રાષ્ટ્રીય મતદાનને ટ્રેક કરે છે, ટ્રમ્પને ૫૯ ટકા રિપબ્લિકનનું રાષ્ટ્રીય સમર્થન છે. આ પછી ફ્લોરિડાના ગવર્નર રોન ડીસેન્ટિસને ૧૨.૬ ટકા, હેલીને ૮.૩ ટકા અને રામાસ્વામીને ૪.૬ ટકા સમર્થન મળ્યું છે.