વોશિગ્ટન, ગાઝામાં યુદ્ધવિરામ માટે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પર દબાણ સતત વધી રહ્યું છે. બિડેને હવે સીઆઈએના ડાયરેક્ટર વિલિયમ બર્ન્સને આ મુદ્દા પર ચર્ચા કરવા ઈજિપ્ત મોકલ્યા છે. ગયા અઠવાડિયે અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને અરેબિયા અને ઇજિપ્તની મુલાકાત લીધી હતી. તે જ સમયે, અમેરિકા પહોંચેલા જોર્ડનના કિંગ અબ્દુલ્લા સાથે દ્વિપક્ષીય વાતચીત બાદ બિડેને કહ્યું, અમેરિકા ૬ અઠવાડિયા માટે યુદ્ધવિરામ માટે પ્રયાસ કરી રહ્યું છે.
૪૦ વર્ષ જૂના શાંતિ કરારને ખતમ કરવાની ઇજિપ્તની ચેતવણી અને બિડેનની કડક સૂચના છતાં ઇઝરાયેલ ગાઝાના રફાહ પર હુમલો કરી રહ્યું છે. હુમલામાં ૧૦૦થી વધુ લોકો માર્યા ગયા છે. રફાહ પરના હુમલાઓને કારણે લગભગ ૨૩ લાખ પેલેસ્ટાઈનીઓને બચવા કે છુપાઈ જવાની કોઈ જગ્યા રહી નથી. પડોશી ઇજિપ્તે પણ સુરક્ષા વધારી છે, પેલેસ્ટિનિયનો માટે તેની સરહદ ખોલવાનો ઇનકાર કર્યો છે. તેમજ પેલેસ્ટાઈનીઓને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ ઈજીપ્તમાં પ્રવેશ કરશે તો તેમને ગોળી મારી દેવામાં આવશે.
ફ્રાન્સે લેબનોન અને બેરૂતને એક લેખિત સમજૂતી રજૂ કરી છે, જેના હેઠળ લેબનોન-ઈઝરાયેલ સરહદ પર તૈનાત હિઝબુલ્લા એકમોને હટાવવામાં આવશે. ઈરાન સમથત હિઝબુલ્લાહ હાલમાં ગાઝામાં ચાલી રહેલી કાર્યવાહી સામે ઈઝરાયેલ પર હુમલો કરી રહ્યું છે. જેના કારણે ગાઝામાં ચાલી રહેલો સંઘર્ષ મોટા યુદ્ધમાં ફેરવાઈ જાય તેવી આશંકા છે.
ભારતીય મૂળની સોનાલી કોરડેને યુનાઈટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ યુએસએઆઇડીના માનવતાવાદી સહાયતા બ્યુરોના વહીવટી સહાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ યુએસ સરકારી સંસ્થા આંતરરાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ તેમજ વૈશ્ર્વિક જોખમો અને માનવતાવાદી જરૂરિયાતો પર નજર રાખે છે.
ન્યૂયોર્ક સિટીના મેયર એરિક એડમ્સે ભારતીય મૂળના મીરા જોશીને મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટીના બોર્ડ સભ્ય તરીકે નામાંક્તિ કર્યા છે.અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ૨૦૨૦ના પરિણામો બાદ યુએસ સંસદ કેપિટોલ હિલ પર હુમલાના મામલામાં સુપ્રીમ કોર્ટ પાસે સુરક્ષાની માંગ કરી છે. સોમવારે, ટ્રમ્પે સુપ્રીમ કોર્ટને કહ્યું કે તેમને કેપિટોલ હિંસા અને ૨૦૨૦ના પરિણામોને ઉથલાવી દેવાના આરોપોમાંથી મુક્તિ આપવામાં આવે, કારણ કે જો આવું નહીં થાય તો યુએસ પ્રમુખપદ સમાપ્ત થઈ જશે. આ વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે ટ્રમ્પ રિપબ્લિકન પાર્ટીના સૌથી લોકપ્રિય ઉમેદવાર છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને તેમના પોતાના વહીવટીતંત્રે સુરક્ષાની ચિંતા વ્યક્ત કર્યા પછી પણ ટીકટોક પર ખાતું ખોલાવ્યું છે. તેમના ચૂંટણી અભિયાનને આગળ વધારવા માટે, બિડેન ટીકટોક દ્વારા યુવા મતદારો સાથે જોડાવા માંગે છે. જો કે, તેમના પોતાના પ્રશાસને સમગ્ર દેશના નાગરિકોને ટીકટોક વિરુદ્ધ ગંભીર ચેતવણી જારી કરી હતી અને કહ્યું હતું કે ચીનની એપ અમેરિકન લોકોનો અંગત ડેટા ચીનને મોકલે છે, જે તેમની પ્રાઈવસી માટે ખતરો બની શકે છે. આ સિવાય આ ડેટા ચીની સેના માટે પણ ઉપલબ્ધ છે.