નવીદિલ્હી, લોક્સભા ચૂંટણી પહેલા એક મોટો નિર્ણય લેતા ભારતીય જનતા પાર્ટીએ સંગઠનમાં ઘણા મોટા ફેરફારો કર્યા છે. પાર્ટીએ ઘણા રાજ્યોના પ્રમુખો બદલ્યા છે. બાબુલાલ મરાંડીને ઝારખંડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ સુનીલ જાખડને પંજાબના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સિવાય જી કિશન રેડ્ડીને તેલંગાણાના નવા પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં આંધ્ર પ્રદેશમાં ડી પુરંદેશ્ર્વરીને પાર્ટી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
બાબુલાલ મરાંડી ફેબ્રુઆરી ૨૦૨૦માં ભાજપમાં જોડાયા હતા. તેમને વિપક્ષના નેતા પણ બનાવવામાં આવ્યા હતા. જો કે હવે લોક્સભા ચૂંટણી અને વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને રાજ્યમાં પાર્ટીની કમાન સોંપવામાં આવી છે. એટલે કે હવે તેઓ ઝારખંડ ભાજપના નવા અધ્યક્ષ બનશે. એ જ રીતે સુનીલ જાખડ કે જેઓ એક સમયે કોંગ્રેસના મોટા નેતા હતા તેમને પંજાબ ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.
સૌથી મોટી ઉથલપાથલ તેલંગાણામાં થઈ છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખ બાંડી સંજય કુમારને હટાવીને તેમની જગ્યાએ કેન્દ્રીય મંત્રી જી કિશન રેડ્ડીને નિયુક્ત કર્યા છે. બંદી સંજય કુમાર જમીન પર ખૂબ જ સક્રિય હતા પરંતુ કહેવાય છે કે તેઓ સંગઠનને સાથે લેવામાં નિષ્ફળ રહ્યા હતા, તેથી જ પાર્ટીએ આ નિર્ણય લીધો હતો.
જોકે, જી કિશન રેડ્ડીએ હવે કેન્દ્રીય કેબિનેટમાંથી રાજીનામું આપવું પડશે. તેઓ હવે રાજ્યમાં સંગઠનને મજબૂત કરવાની જવાબદારી સંભાળશે. આવી સ્થિતિમાં પાર્ટી કેન્દ્રીય કેબિનેટમાં તેમના સ્થાને અન્ય કોઈ ચહેરાને સામેલ કરી શકે છે. ૯ થી ૧૦ જુલાઈ દરમિયાન કેન્દ્રીય મંત્રીમંડળમાં ફેરબદલ થવાની સંભાવના છે.