ભારતીય નર્સને યમનમાં ફાંસી આપવાની રાષ્ટ્રપતિની મંજૂરી:નિમિષા પર તેના સાથીની હત્યાનો આરોપ, ભારતે કહ્યું- મદદ કરી રહ્યા છીએ

ભારતીય વિદેશ મંત્રાલયે યમનમાં જેલમાં બંધ ભારતીય નર્સ નિમિષા પ્રિયાને આપવામાં આવેલી ફાંસીની સજાની પુષ્ટિ કરી છે. યમનના રાષ્ટ્રપતિએ ફાંસીની સજાને મંજૂરી આપી દીધી છે, જોકે વિદેશ મંત્રાલયે આશ્વાસન આપ્યું છે કે સરકાર આ મામલે તમામ શક્ય મદદ પૂરી પાડી રહી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી છે.

કેરળની રહેવાસી નિમિષા પર યમનના નાગરિક તલાલ અબ્દો મહદીની હત્યાનો આરોપ છે. નિમિષાએ 2017માં મહદીને ડ્રગનો ઓવરડોઝ આપીને મારી નાખ્યો હતો.નિમિષા અને મહદી યમનમાં એક પ્રાઈવેટ ક્લિનિકમાં પાર્ટનર હતાં. આરોપ છે કે મહદીએ નિમિષાનો પાસપોર્ટ કબજે કરી લીધો હતો અને તેને ટોર્ચર કરતો હતો. નિમિષાને એક મહિનામાં સજા થશે.

નિમિષાએ 2008માં નર્સિંગનો અભ્યાસ પૂરો કર્યા બાદ કેરળમાં જોબ કરવાનું શરૂ કર્યું હતું. 2011માં તેણે કેરળના ટોમી થોમસ સાથે લગ્ન કર્યા. આ પછી બંને 2012માં યમન ગયાં હતાં. તે અહીં નર્સિંગનું કામ કરતી હતી.2014માં આર્થિક તંગીના કારણે નિમિષાના પતિ અને તેની એક પુત્રી ભારત પરત ફર્યા, જોકે નિમિષા કામ કરી રહી હતી. આ દરમિયાન યમનમાં ગૃહયુદ્ધ શરૂ થઈ ગયું હતું, જેના કારણે નવા વિઝા મળવાનું બંધ થઈ ગયું હતું. આ કારણે નિમિષાના પતિ યમન પાછા જઈ શક્યા નહોતા.

2015માં નિમિષાએ યમનની રાજધાની સનામાં મહદી સાથે પાર્ટનરશિપમાં પોતાનું ક્લિનિક શરૂ કર્યું. યમનના કાયદા અનુસાર, યમનના નાગરિકો જ ત્યાં પોતાનો વ્યવસાય શરૂ કરી શકે છે, તેથી જ નિમિષાએ મહદીની મદદ માગી હતી.

મહદીએ છેતરપિંડી કરીને નિમિષાનો પાસપોર્ટ જપ્ત કર્યો હતો

નિમિષા 2015માં એક મહિનાની રજા પર કેરળ આવી હતી. મહદી પણ નિમિષા સાથે આવ્યો હતો. તેણે નિમિષાના ઘરેથી લગ્નનો ફોટો ચોરી લીધો હતો. બાદમાં તેણે આ ફોટો મોર્ફ કરીને નિમિષાનો પતિ હોવાનો દાવો કર્યો હતો.નિમિષાની માતાના કહેવા પ્રમાણે, તેણે ક્લિનિકની માલિકીના દસ્તાવેજો સાથે છેડછાડ કરી હતી. તેણે દાવો કર્યો કે નિમિષા તેની પત્ની છે અને તેણે તેની કમાણીમાંથી ભાગ લેવાનું શરૂ કર્યું.

નિમિષાની માતાએ કોર્ટમાં અરજી કરીને આરોપ લગાવ્યો હતો કે મહદીએ નિમિષાનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો અને નશો કરીને તેને ત્રાસ આપતો હતો. તેણે નિમિષાને ઘણી વખત ધમકી પણ આપી હતી.જુલાઈ 2017માં નિમિષાએ મહદીને બેભાનનું ઈન્જેક્શન આપ્યું હતું, જોકે મહદી પર તેની કોઈ અસર થઈ ન હતી, પરંતુ નિમિષાએ તેને દવાનો ઓવરડોઝ આપ્યો, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.

લગ્નના ફોટામાં ચેડાં કરીને મહદી નર્સ સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કરી રહ્યો હતો વર્ષ 2015માં નિમિષા પ્રિયાએ યમનમાં પોતાનું ક્લિનિક બનાવવા માટે તેના પાર્ટનર તલાલ અબ્દો મહદીની મદદ માગી હતી, કારણ કે યમનના કાયદા અનુસાર, ક્લિનિક્સ અને બિઝનેસ ફર્મ બનાવવાની મંજૂરી ત્યાંના નાગરિકોને જ મળે છે.

બાદમાં બંને વચ્ચે ઝઘડો થયો હતો. નર્સના પરિવારનું કહેવું છે કે મહદીએ ફંડની હેરાફેરી કરી હતી. નિમિષાએ તેનો વિરોધ કર્યો હતો. અહેવાલો અનુસાર, અબ્દોએ નિમિષાનો પાસપોર્ટ જપ્ત કરી લીધો હતો અને તેના લગ્નના ફોટા પણ ચોરી લીધા હતા. તે ફોટોગ્રાફ્સ સાથે ચેડાં કરીને નર્સ સાથે લગ્ન કર્યા હોવાનો દાવો કરી રહ્યો હતો.

2018માં નિમિષાને હત્યાની દોષી ઠેરવવામાં આવી હતી પાસપોર્ટ મેળવવા માટે નર્સ નિમિષાએ અબ્દોને બેભાન કરવાનું ઈન્જેક્શન આપ્યું હતું, પરંતુ દવાના વધુ ડોઝને કારણે તેનું મૃત્યુ થયું હતું. યમનથી ભાગવાનો પ્રયાસ કરતી વખતે નિમિષાની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 2018માં તેને હત્યાની દોષી ઠેરવવામાં આવી હતી. 2020માં તેને મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી. યમનની સુપ્રીમ જ્યુડિશિયલ કાઉન્સિલે નવેમ્બર 2023માં તેની અપીલને ફગાવી દીધી હતી. એ પછી તેના માટે છેલ્લો વિકલ્પ માત્ર બ્લડ મની જ બચ્યો હતો, પરંતુ એ પ્રયાસ પણ નિષ્ફળ સાબિત થયો. હવે રાષ્ટ્રપતિએ પણ તેની ફાંસીની સજાને મંજૂરી આપી દીધી છે.