ભારે વરસાદ અને ચારે બાજુ પર્વતો, ટ્રેકિંગ માટે ગયેલા ૫૦૦ પ્રવાસીઓ ખીણમાં ફસાયા

મુંબઇ, મહારાષ્ટ્રના અહમદનગરમાં ટ્રેકિંગ માટે લગભગ ૫૦૦ પ્રવાસીઓ સાંધણ ખીણમાં અટવાયા હતા. અચાનક ભારે વરસાદને કારણે આ ઘટના બની હતી. આ અંગે વન વિભાગની ટીમને જાણ થતાં જ તેઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જે બાદ સ્થાનિક લોકોની મદદથી તમામને બચાવી લેવાયા હતા. સાંધણ વેલી ટ્રેકિંગ માટે પ્રખ્યાત છે. અહીં દર વર્ષે હજારો પ્રવાસીઓ ટ્રેકિંગ માટે આવે છે.

આ વખતે પણ સાંધણ ખીણમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેકિંગ દરમિયાન ખીણમાં કેટલીક ઈવેન્ટ પણ યોજવામાં આવે છે, જેના કારણે અહીં ભીડ એકઠી થાય છે. આ ઉપરાંત રવિવારનો દિવસ હતો. રજાના કારણે અન્ય દિવસો કરતાં વધુ લોકો આવે છે.

મળતી માહિતી મુજબ, ખીણમાં બપોરે ૧:૦૦ વાગ્યાની આસપાસ અચાનક જ ભારે વરસાદ શરૂ થયો હતો. ખીણના નીચેના ભાગોમાં પાણી જમા થઈ ગયું હતું. સાથે જ રસ્તાઓ પણ લપસણા બની ગયા હતા. આવી સ્થિતિમાં આગળની મુસાફરી અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. જેના કારણે પ્રવાસીઓ ખીણમાં જ અટવાઈ ગયા હતા. લોકોને બચાવવામાં રેસ્ક્યુ ટીમને ૩-૪ કલાક લાગ્યા હતા.

લોકોની સંખ્યા વધુ હતી, તેના કારણે આટલો સમય લાગ્યો. લોકોને દોરડાની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી. તે જ સમયે, વન વિભાગના અધિકારીઓએ ટ્રેકિંગ કરનારા પ્રવાસીઓને હવામાનને ધ્યાનમાં રાખીને ખીણમાં ટ્રેકિંગ કરવાની ચેતવણી આપી છે. કહેવામાં આવી રહ્યું છે કે ટ્રેકિંગ માટે આવેલા મોટાભાગના પ્રવાસીઓ પોતાના ઘરે પરત ફર્યા છે. તેમણે વન વિભાગના અધિકારીઓનો આભાર પણ માન્યો છે. ઘણા પ્રવાસીઓ ભગવાનનો આભાર માનતા પણ જોવા મળ્યા હતા. વન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર અહીં અવારનવાર પ્રવાસીઓ ટ્રેકિંગ માટે આવે છે. આ દરમિયાન ગાઈડ પણ તેમની મદદ માટે હાજર રહે છે. લોકો તેમની દેખરેખ હેઠળ ટ્રેકિંગ કરે છે.