ભારે વરસાદે મજા બગાડી: રાજકોટનો લોકમેળો રદ, સ્ટોલ ધારકોને ડિપોઝિટની રકમ પરત અપાશે

છેલ્લા બે દિવસથી ગુજરાતના તમામ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. એવામાં મેઘતાંડવના કારણે લોકમેળો રદ કરવામાં આવ્યો છે. સ્ટોલ ધારકોએ ભરેલી રકમ તથા ડિપોઝિટની ૧૦૦ ટકા રકમ પરત આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોંધનીય છે કે ૨૪ ઑગસ્ટે રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે લોકમેળાનું લોકાર્પણ કર્યું હતું. દર વર્ષની જેમાં આ વર્ષે પણ પાંચ દિવસમાં લાખો લોકો મેળાની મુલાકાતે તેવી શક્યતા હતી. જો કે સતત વરસાદના કારણે રેસકોર્સ મેદાનમાં પાણી ભરાઈ ગયા હતા. શરુઆતમાં વેપારીઓએ માંગ કરી હતી કે મેળાની તારીખ લંબાવવામાં આવે. જો કે હજુ આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. એવામાં સરકારે લોકમેળો રદ કરવાનો જ નિર્ણય લીધો છે.

રાજકોટમાં સતત ત્રીજા દિવસે મેઘરાજાએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી શનિવારે મોડી રાતના ૩ વાગ્યાથી વરસવાનું શરુ કરી દેતાં મંગળવારની સવાર સુધી અનરાધાર વરસી જતાં રાજકોટની જીવાદોરી સમાન આજીડેમ ૬૭ વર્ષમાં ૨૦મી વખત ઓવરફ્લો થતાં આજીએ ફરી એક વખત રાજકોટવાસીઓને રાજી કરી દીધા છે.

રાજકોટની વાત કરીએ તો છેલ્લા ૨૪ કલાકમાં સતત ૧૦ ઇંચ વરસાદને પગલે ઠેર ઠેર કેડ સમા પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પણ પાણીમાં ડૂબી ગયા છે. નોકરિયાત લોકો અને ધંધાર્થીઓ માટે તેમના ગંતવ્ય સ્થળ સુધી પહોંચવું પણ મુશ્કેલ થઈ ગયું છે.

રાજકોટમાં આખી રાત ધોધમાર વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અવિરત વરસાદને પગલે અંડર પાસ પણ બંધ કરી દેવામાં આવતાં અનેક રસ્તાઓ બંધ થઈ ગયા છે. બીઆરટીએસ સેવા પણ ઠપ થઈ ગઈ છે. રાજકોટમાં ઉપલેટાના મોજીરા પાસે આવેલ મોજ ડેમ ઓવરફ્લો થઈ ગયાની માહિતી મળી રહી છે. શહેરનો મહિલા અંડર પાસ પાણીમાં ગરકાવ થતા બંધ કરવાની ફરજ પડી હતી.