ભારે વરસાદને કારણે ચેન્નાઈમાં પાણી ભરાયા, સ્ટાલિને રાહત ફંડ માટે કેન્દ્ર પાસેથી ૫૦૬૦ કરોડ રૂપિયા માંગ્યા.

ચેન્નાઇ, ચક્રવાત મિચોંગના કારણે રાજ્યમાં થયેલા નુક્સાન બાદ મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કેન્દ્ર સરકાર પાસેથી મદદની અપીલ કરી છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને ચક્રવાત બાદ થયેલા નુક્સાન માટે ૫૦૬૦ કરોડ રૂપિયાના વચગાળાના રાહત ફંડની માગણી કરી છે. આ સાથે તેમણે ચક્રવાતને કારણે રાજ્યમાં થયેલા નુક્સાનની સમીક્ષા કરવા માટે કેન્દ્ર પાસેથી એક ટીમ મોકલવાની માંગ કરી છે. ડીએમકે સાંસદ ટીઆર બાલુએ પોતે દિલ્હીમાં પીએમ મોદીને આ પત્ર આપ્યો છે.

સીએમ સ્ટાલિને ચેન્નાઈમાં એક રાહત શિબિરની મુલાકાત લીધી હતી. તેઓ આ કેમ્પમાં લોકોને જરૂરી વસ્તુઓનું વિતરણ કરતા જોવા મળ્યા હતા. ચેન્નાઈમાં પાણી ભરાઈ જવાને કારણે હોટલના સ્ટાફે વિદેશી પ્રવાસીને તેના વાહન સુધી પહોંચવામાં મદદ કરી હતી.

તમને જણાવી દઈએ કે બંગાળની ખાડીમાં ઉદભવેલું ગંભીર ચક્રવાતી તોફાન મિચોંગ મંગળવારે બપોરે ૧૦૦ કિમીની ઝડપે આંધ્ર પ્રદેશના નેલ્લોર અને કાવલી વચ્ચે બાપટલા નજીક દરિયાકાંઠે અથડાયું હતું. તેની અસરને કારણે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો સિવાય ચેન્નાઈમાં પણ ભારે વરસાદ થયો હતો જેના કારણે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. તમિલનાડુમાં પણ ૨૦ થી વધુ ફ્લાઈટ્સ અને લગભગ ૧૦૦ ટ્રેનો રદ કરવામાં આવી છે. જોકે, ચેન્નાઈ એરપોર્ટ ખોલી દેવામાં આવ્યું છે. વરસાદને કારણે અહીં ૨૧ વિમાનો અને ૧,૫૦૦થી વધુ મુસાફરો ફસાયા હતા.