ભારે પવનને કારણે સારસ વીજ તારમાં અથડાયું:કડીના બોરીસણા ગામે સારસ પક્ષી વીજ તારે અથડાતા કરંટ લાગવાથી ઇજાગ્રસ્ત

કડી, કડી તાલુકાના બોરીસણા ગામે સારસ પક્ષીને કરંટ લાગતા ઇજાઓ પહોંચી હતી. જ્યાં સ્થાનિક લોકો અને જીવ દયા પ્રેમીઓને જાણ કરાતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને થોળ વાઈડ લાઈફ અને વન વિભાગની જાણ કરાતા અધિકારીઓ બોરીસણા ગામે પહોંચીને સારસ પક્ષીનું રેસ્ક્યુ કરીને અમદાવાદ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યું હતું.

સમગ્ર ગુજરાતમાં અત્યારે વાવાઝોડાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પવન સાથે વરસાદની આગાહી આપવામાં આવી છે. ત્યારે કડી તાલુકાના બોરીસણા ગામે શિડ્યુલ વનના પક્ષી સારસને કરંટ લાગવાથી ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી. જ્યાં સ્થાનિકો દ્વારા જીવ દયા પ્રેમીઓને જાણ કરવામાં આવી હતી. ઘટનાને લઇ થોળ ફોરેસ્ટ વિભાગ અને વાઇડ લાઈફ વિભાગના અધિકારીઓ આવી પહોંચ્યા હતા અને પક્ષીને અમદાવાદ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યું હતું.

કડી તાલુકાના બોરીસણા ગામે રહેતા વિજયભાઈ આજે પોતાના ખેતરમાં ગયા હતા અને તેમના ખેતરમાંથી હેવી વીજ લાઈન પસાર થઈ રહી છે. જે દરમિયાન તેઓ ખેતરમાં કામકાજ કરી રહ્યા હતા ત્યારે એક ઘાયલ પક્ષી નજરમાં આવ્યું હતું. જેથી તેઓએ તાત્કાલિક બોરીસણા ગામના બજરંગ દળના કાર્યર્ક્તા સંદીપ બારોટને જાણ કરી હતી. જ્યાં ઘટના સ્થળે સંદીપ બારોટ પહોંચ્યા હતા અને ફોરેસ્ટ વિભાગ અને વાઈટ લાઇફના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.

ઘટનાને લઇ અધિકારીઓ ગામ ખાતે પહોંચ્યા હતા અને ખેતરમાંથી શિડયુલ વનનું પક્ષી સારસને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે મોકલી આપવામાં આવ્યું હતું. જ્યાં અધિકારીઓ જોડે વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે પક્ષીને કરંટ લાગવાથી ઇજાઓ પહોંચી છે અને તેનું રેસ્ક્યુ કરીને અમે અમદાવાદ ખાતે સારવાર માટે મોકલી આપવામાં આવ્યું છે.