ભારે હિમવર્ષા વચ્ચે બદ્રીનાથ ધામના ખુલ્યા દરવાજા, દર્શન કરવા ભકતો ઉમટ્યા

દહેરાદુન,ઉત્તરાખંડમાં સ્થિત બાબા બદ્રીનાથના દરવાજા આજે સવારે ૭:૧૦ વાગ્યે ખુલી ગયા. ચાર ધામ યાત્રાના ચારેય ધામોના દરવાજા હવે ખુલી ગયા છે. પહેલા યમોત્રી-ગંગોત્રી, પછી કેદારનાથ અને હવે બદ્રીનાથ ધામના દરવાજા પણ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. હજારો ભક્તો એક દિવસ પહેલા એટલે કે બુધવારે જ બાબા બદ્રીના દર્શન કરવા માટે બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા. તમામ ભક્તોમાં ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો અને બદ્રી વિશાલના દરવાજા ખુલતા જોઈને બધા ભક્તો ખૂબ જ ખુશ હતા. બદ્રીનાથ ધામના આખા મંદિરને લગભગ ૧૫ ક્વિન્ટલ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું.મંદિરની ઉપરથી હેલિકોપ્ટર દ્વારા ફુલોની વરસાદ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, ગત વખતની જેમ આ વખતે પણ બદ્રીનાથના દ્વાર ખોલવાના સમયે ભગવાનની પ્રથમ આરતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામથી કરવામાં આવી. તે જ સમયે, બદ્રીનાથમાં હિમવર્ષા અને વરસાદ થઈ રહ્યો છે. આમ છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળતી નથી. ચાર ધામ યાત્રા શરૂ થઈ ગઈ છે. આ યાત્રા ૨૨ એપ્રિલથી શરૂ થઈ હતી. આ દિવસે યમુનોત્રી અને ગંગોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા, ત્યારબાદ ૨૫ એપ્રિલે કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા અને આજે ભગવાન બદ્રીનાથ ધામના દરવાજા પૂજા અને સંપૂર્ણ વિધિ સાથે ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન મંદિરને ફૂલોથી શણગારવામાં આવે છે. જે જોવામાં ખૂબ જ આકર્ષક અને સુંદર લાગે છે.

તમને જણાવી દઈએ કે ૧૯ ડિસેમ્બર ૨૦૨૨ના રોજ બદ્રીનાથ ધામના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા હતા અને તેની સાથે જ ચારધામ યાત્રા પણ સમાપ્ત થઈ હતી. અને ગયા વર્ષે ૧૭ લાખ ૬૦ હજાર ૬૪૬ ભક્તોએ બાબા બદ્રી વિશાલના દર્શન કર્યા હતા. દર વર્ષે ચાર ધામ યાત્રા ગંગોત્રી અને યમુનોત્રીના દરવાજા ખોલવા સાથે શરૂ થાય છે અને બાબા બદ્રીના દરવાજા બંધ કરીને સમાપ્ત થાય છે.