જળવાયુ પરિવર્તનની અસર સમગ્ર વિશ્વ પર દેખાઈ રહી છે. કેટલીક જગ્યાએ ગરમી જોવા મળી શકે છે તો અન્ય સ્થળોએ વરસાદ જોવા મળી શકે છે. ભારતના ઘણા ભાગોમાં ગરમીના કારણે અરાજક્તા છે. દરરોજ લોકોના મોતના સમાચાર આવે છે. તાપમાને તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. અત્યાર સુધીમાં તે ૫૦ ડિગ્રીને પાર કરી ગયો છે. દરમિયાન અધિકારીઓએ જણાવ્યું કે આ ઉનાળાની સિઝનમાં અત્યાર સુધીમાં ૪૦ હજારથી વધુ હીટસ્ટ્રોકના કેસ નોંધાયા છે. આકરી ગરમીએ દેશભરમાં સોથી વધુ લોકોના જીવ લીધા હતા. જ્યારે ઉત્તર-પૂર્વના કેટલાક ભાગો ભારે વરસાદને કારણે પૂરનો સામનો કરી રહ્યા છે.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માનવીય ગતિવિધિઓ આબોહવા પર નોંધપાત્ર અસર કરી રહી છે. જેના કારણે સમગ્ર એશિયામાં અબજો લોકો ભારે ગરમીથી ત્રસ્ત છે. ઉત્તર ભારતમાં તાપમાન લગભગ ૫૦ ડીગ્રી સુધી પહોંચી ગયું છે. જે અત્યાર સુધીના સૌથી લાંબા હીટ વેવ પૈકી એક છે.
આકરી ગરમીનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે બિચારા પક્ષીઓ આકાશમાં ઉડવાને બદલે જમીન પર પડી રહ્યાં છે. હોસ્પિટલોમાં ગરમીથી પીડિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. બપોરના સમયે લોકો અગત્યના કામ માટે પણ ઘરની બહાર નીકળી શક્તા નથી. આ બધાનું કારણ એ છે કે આ વખતે માર્ચમાં ઉનાળાની શરૂઆતથી, તાજેતરના અઠવાડિયામાં દિવસ અને રાત્રિ બંનેનું તાપમાન તેની ટોચ પર હતું.
તે જ સમયે, દેશની રાજધાની દિલ્હીમાં સૌથી વધુ સમસ્યાઓ નોંધાઈ રહી છે. અહીં લોકોને ન તો પૂરતું પીવાનું પાણી મળી રહ્યું છે કે ન તો વીજળી. જો કે, આરોગ્ય મંત્રાલયે ફેડરલ અને રાજ્ય સંસ્થાઓને તાત્કાલિક દર્દીઓની સારવાર કરવાનો આદેશ આપ્યો છે. જ્યારે દિલ્હીની હોસ્પિટલોને વધુ બેડ આપવા સૂચના આપવામાં આવી હતી.
આરોગ્ય મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું હતું કે ૧ માર્ચથી ૧૮ જૂન વચ્ચે હીટ સ્ટ્રોકના ૪૦,૦૦૦ થી વધુ શંકાસ્પદ કેસ નોંધાયા હતા અને ઓછામાં ઓછા ૧૧૦ મૃત્યુની પુષ્ટિ થઈ હતી. આ સમયગાળા દરમિયાન, ઉત્તર-પશ્ચિમ અને પૂર્વ ભારતમાં સામાન્ય કરતાં બે વખત ગરમ પવનો ફૂંકાયા હતા.
હવામાન વિભાગે આ મહિના માટે પણ સામાન્ય તાપમાન કરતાં વધુ રહેવાની આગાહી કરી છે, કારણ કે અધિકારીઓનું કહેવું છે કે અસંતુલિત વધારાને કારણે ભારતીય શહેરો ગરમીની જાળ બની ગયા છે.