ભારતમાં કોરોનાને લઈને સૌથી મોટી રાહતના સમાચાર આપ્યા સરકારી સમિતિએ

લોકોને અને સરકારને ધોળા દિવસે તારા દેખાડી દેનાર કોરોના વાયરસને લઈને એક સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે બનાવેલી વૈજ્ઞાનિકોની એક સમિતિએ જણાવ્યાનુસાર ભારતમાંથી કોરોનાનો પીક ટાઈમ પસાર થઈ ચુક્યો છે. જો કે તેમણે એમ પણ જણાવ્યું હતું કે વાયરસથી બચવા માટેના કરવામાં આવી રહેલા ઉપાય ચાલુ રાખવા જોઇએ. કારણ કે ફેબ્રુઆરી 2021માં કોરોનાની બીજી લહેર આવી શકે છે. આ સમિતિનું જણાવવું છે કે જો ભારતમાં માર્ચમાં લોકડાઉન ના હોત તો દેશભરમાં 25 લાખથી વધારે લોકોના મોત થયા હોત અત્યારે આ મહામારીથી 1.14 લાખ લોકોના મોત થયા છે.

નીતિ આયોગના સભ્ય અને કોવિડ એક્સપર્ટ પેનલના ચીફ ડો. વીકે પોલનું જણાવવું છે કે, “છેલ્લા 3 અઠવાડિયામાં નવા કેસ અને મોતની સંખ્યા ઘટી છે, પરંતુ ઠંડીની ઋતુમાં ભારતમાં કોરોના સંક્રમણની બીજી લહેરથી આવી શકે તે વાતથી ઈન્કાર ન કરી શકાય. ભારત અત્યારે ઘણી સારી સ્થિતિમાં છે. પરંતુ રસી ન મળે ત્યાં સુધી સાવધાન રહેવું જરૂરી છે કારણ કે અત્યાર સુધીમાં દેશના 90 ટકા લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ શકે છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 61,871 નવા કેસ સામે આવ્યા છે. કુલ કેસની સંખ્યા 74,94,551 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ કલ્યાણ મંત્રાલય અનુસાર છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસથી 1,033 મોત થઈ છે, ત્યારબાદ કુલ મોતની સંખ્યા 1,14,031 થઈ ગઈ છે. દેશમાં રિકવરી રેટ વધીને 88.03 ટકા થઈ ગયો છે, જ્યારે મૃત્યુદર 1.53 ટકા છે. ભારતમાં રોજના કોરોના કેસની સંખ્યા હવે અમેરિકાથી ઓછી થઈ ગઈ છે.